મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવી સંભવ નહી હોવાનું જણાવતા મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવતે કહ્યું છે કે, રાજ્યોની સંમતી સાથે બંધારણમાં સંશોધનો પછી પૂરતા પ્રમાણમાં વોટીંગ મશીન તેમજ સુરક્ષા કર્મચારીઓ ફાળવવામાં આવે તો જ સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવી શક્ય બની શકે.

સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની માંગ ફરી એકવાર ચર્ચામાં છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દા પર ચૂંટણી પંચને એક પત્ર લખતા આ માંગણી અંગે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ માંગણી અંગે દેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, જો તબક્કાવાર આયોજન કરવામાં આવે તો કેટલાક રાજ્યો સાથે લોકસભાની સામાન્ય ચૂંટણી શક્ય છે. દેશમાં પ્રથમ ચાર ચૂંટણી એકસાથે જ યોજાઈ હતી. જો કાયદામાં સંશોધન કરવા સાથે પૂરતી સંખ્યામાં ઈવીએમ મશીન હોય અને જરૂરિયાત પ્રમાણે સુરક્ષા જવાનો ફાળવવામાં આવે તો દેશમાં એકસાથે ચૂંટણી યોજવી શક્ય છે.

તેમણે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, જો રાજ્ય વિધાનસભા સંમત થાય તો એકસાથે ચૂંટણી કરાવવાનું શકય છે. આ અંગે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સાથે ૧૦-૧૧ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ કરાવવા માંગે છે. જો કે મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે, સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની બાબત સંશોધન વગર શક્ય જણાતી નથી.

મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવતે જણાવ્યું છે કે, એકસાથે ચૂંટણી યોજવાના મુદ્દે ચૂંટણી પાંચ દ્વારા વર્ષ ૨૦૧૫માં જ વિસ્તૃત રીતે સલાહ આપવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચે બતાવ્યું છે કે, એકસાથે ચૂંટણી માટે બંધારણ તેમજ જન પ્રતિનિધિત્વ કાયદામાં ક્યાં ક્યાં સંશોધન કરવા પડશે. ઓપી રાવતે કહ્યું કે, આ સંશોધનો પછી અન્ય જરૂરિયાતોમાં પૂરતા પ્રમાણમાં વોટીંગ મશીન, વિવીપેટ તેમજ વધારે પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓ અંગે જાણકારી આપવામાં આવેલી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, જો આ જરૂરિયાતો પૂરી કરવામાં આવે તો સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી બિલકુલ કરી શકાય તેમ છે. જયારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીની જોડે જ  એકસાથે ચૂંટણી યોજવી શક્ય નથી.