મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પદે રહેલા નારાયણ દત્ત તિવારીનું આજે ગુરુવારે લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે નિધન થયું. આંધ્ર પ્રદેશના ગવર્નર પદે રહી ચુકેલા એન.ડી તિવારોનો જન્મ પણ 18 ઓક્ટોબર 1925ના રોજ થયો હતો અને આજે 18 ઓક્ટોબર 2018ના રોજ તેમના જન્મદિવસે તેમનું મૃત્યુ થયું છે જે એક વિચિત્ર સંયોગ છે. એન.ડી તિવારીએ દિલ્હીના સાકેત સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં આજે બપોરે 2: 50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તિવારીના પરિવારમાં પત્ની ઉજ્જવલા અને પુત્ર રોહિત શેખર છે.

આઝાદી બાદ ઉત્તર પ્રદેશમાં પ્રથમ ચૂંટણીમાં તેઓ નૈનીતાલથી પ્રજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ ત્રણ વખત જાન્યુઆરી 1976થી એપ્રિલ 1977, ઓગસ્ટ 1984થી સપ્ટેમ્બર 1985 અને જૂન 1988થી ડિસેમ્બર 1989 સુધી ઉત્તર પ્રદેહશ મુખ્યમંત્રી પદે રહ્યા. તેઓ 2002થી 2007 દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે પણ રહ્યા હતા. આ પહેલા તેઓ 1980માં 7મી લોકસભા માટે ચૂંટાયા હતા અને તેઓ કેન્દ્રિય મંત્રી રૂપે કામ કરી ચુક્યા છે. 1985થી 1988 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ હતા. 1990ના દાયકામાં એક સમયે એન.ડી. તિવારીને વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ આ પદ પી.વી. નરસિમ્હા રાવને મળ્યું હતું. એન.ડી. તિવારીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એન.ડી. તિવારી સેક્સ સ્કેન્ડલ તથા તેમના જૈવિક પુત્ર રોહિત શેખર મામલે મીડિયામાં ચર્ચામાં રહ્યા હતા. તિવારી આંધ્ર પ્રદેશના ગર્વર્નર હતા ત્યારે એક ન્યૂઝ ચેનલ દ્વારા રાજભવનમાં તેઓ ત્રણ યુવતીઓ સાથે કઢંગી હાલતમાં હોવા અંગેનો વીડિયો પ્રસારિત કરવામાં આવતા રાજકીય હલચલ મચી ગઇ હતી. આ સિવાય એન.ડી. તિવારીનો પુત્ર હોવાનો રોહિત શેખરે કોર્ટમાં દાવો માડ્યો હતો અને ડીએનએ ટેસ્ટ બાદ સાબિત થયું હતું કે રોહિત શેખર એન.ડી. તિવારીનો પુત્ર છે અને ઉજ્જવલા તિવારી તેની માતા છે. સમગ્ર વિવાદ બાદ 88 વર્ષની ઉંમરે ઉજ્જવલાને એનડી તિવારીએ પોતાની પત્ની તરીકે સ્વીકારી તેની સાથે વિધિવત લગ્ન કર્યા હતા અને રોહિત શેખરને પોતાનો પુત્ર માન્યો હતો.