મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા ભારતીય આર્મીના ઘણા જવાન શહીદ થયાના કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ ગત રવિવારે છ આતંકવાદીઓને ઠાર કરવાના એક ઑપરેશન દરમિયાન ભારતીય આર્મીના લાન્સ નાયક નઝીર શહીદ થયા. લાન્સ નાયક નઝીર શહીદ થયા તેમાં ખાસ વાત એ છે કે તેઓ પહેલા આતંકવાદી હતા અને ત્યારબાદ તેમણે આત્મસમર્પણ કર્યું અને ભારતીય આર્મીમાં જોડાયા હતા.

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે ઓપરેશન ઓલઆઉટમાં સુરક્ષાદળોએ છ આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન ભારતીય આર્મીના એક જવાન લાંસ નાયક નઝીર અહમદ વાની પણ શહીદ થયા હતા. ખાસ વાત એ છે કે વાની એક સમયે આતંકવાદી રહી ચુક્યા છે અને તેમણે આત્મસમર્પણ કરીને ભારતીય આર્મી જોઇન કરી હતી.

લાન્સ નાયક વાની એક સારા સિપાહી હતા અને વર્ષ 2007માં તેમને વીરતા માટે આર્મી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાન્સ નાયક નઝીર અહમદ વાનીના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. વાનીએ પોતાની કારકિર્દીની શરુઆત વર્ષ 2004માં ટેરિટોરિયલ આર્મીથી કરી હતી. ગઇકાલે સોમવારે 21 તોપોની સલામી આપી તેમની દફનવિધિ કરવામાં આવી હતી.