મેરાન્યૂઝ નેટવર્ક, નવસારી: રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને માર્ગ અકસ્માત ઘટે તે માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે. પરંતુ કાયદો તોડનારને કાયદો તોડવાનો ડર જ લાગતો નથી.  હવે આ મામલે કોર્ટ પણ આકરું વલણ લેવા લાગી છે, જેના  કારણે હવે ટ્રાફિકના નિયમ તોડનારે પણ ચેતવાની જરૂર છે.

રાજ્યના નવસારી  જિલ્લાના  વાસદમાં એક સગીર મોટર સાયકલ લઈ  નીકળ્યો હતો. પોલીસે તેને રોકી લાઇસન્સ માંગતા તે સગીર હોવાને કારણે તેની પાસે લાઇસન્સ નહોતું.  વાંસદા પોલીસે વાહન નંબરના  આધારે તપાસ કરતા મોટર સાયકલ સગીરના દાદા શંકરભાઇ  ખુશાલભાઈ પટેલના નામે હતી. આથી વાંસદા પોલીસે શંકરભાઇ પટેલ સામે લાઇસન્સ વગરની વ્યક્તિને પોતાનું વાહન આપવા માટે  મોટર વ્હીકલ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

સામાન્ય રીતે આ પ્રકારના ગુનામાં કોર્ટ દ્વારા દંડ કરવામાં આવતો હોવાને કારણે નિયમ તોડનારને કાયદાનો ડર લાગતો નથી. પરંતુ આ કેસ વાંસદા કોર્ટ સામે રજૂ થતા મેજીસ્ટ્રેટને  આશ્ચર્ય થયું કે લાઇસન્સ વગર પોતાના  પૌત્રને મોટર સાયકલ કેમ આપ્યું. આથી કોર્ટ દ્વારા આ મામલે કાયદાની જોગવાઈનો કડક  અમલ કરાવવા માટે દાદા શંકરભાઇ પટેલને દસ દિવસની કેદ અને એક હજાર દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

જો દંડ ના ભરે તો વધુ એક દિવસની સજા ભોગવવા આદેશ આપ્યો હતો. જો કોર્ટ  આ પ્રકારે જેલની સજાનો હુકમ કરે તો શહેરો અને હાઇવેનો ટ્રાફિક નિયમબદ્ધ ચાલશે તેવું લાગે છે.