મેરાન્યૂઝ નેટવર્ક.એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીમાં આ વર્ષે પહેલી વખત યમુના મહારાણીના સાંનિધ્યમાં પુષ્ટિ સંપ્રદાય મુજબ નવવિલાસ-નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. તા.10 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રી મહોત્સવમાં ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે.
વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. એટલાન્ટા સહિત આસપાસના શહેરોમાં વસવાટ કરતા ભારતીય-ગુજરાતી સમુદાયમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનેલી આ ગોકુલધામ હવેલીમાં સમયાંતરે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે. જેના ભાગરૂપે આ વર્ષે પહેલી વખત નવ દિવસના ગરબા સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.

ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું કે, હવેલી દ્વારા પુષ્ટિ પરંપરા અને ગુજરાતની ગરબા સંસ્કૃતિને અનુરૂપ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ માટે હવેલીના પ્રાંગણમાં જ ખેલૈયાઓ માટે આઉટડોર ટેન્ટમાં કાર્પેટ બિછાવી ગરબા યોજાશે. એટલાન્ટામાં આઉટડોર ટેન્ટમાં આ પ્રકારના ગરબા પહેલી વખત યોજાનાર હોઇ ગરબા ખેલૈયાઓમાં જબરદસ્ત ઉત્સુકતા વ્યાપી છે.

નવવિલાસ-નવરાત્રી મહોત્સવમાં મુંબઇના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. આ નવરાત્રી મહોત્સવ માટે ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવનાર મુલાકાતીઓ માટે ચટાકેદાર ખાણીપીણીના સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.

નવરાત્રી મહોત્સવ અને ત્યારબાદ અાવનાર દિવાળી પર્વને ધ્યાનમાં રાખી ગોકુલધામ હવેલીને રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો છે. પહેલી વખત આયોજિત આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા ગોકુલધામ હવેલી કમિટીના આગેવાનો હેતલ શાહ, કિન્તુ શાહ, પરિમલ પટેલ, નિક્સન પટેલ, અલ્પેશ શાહ સહિત ટીમના તમામ સભ્યો ખભેખભા મિલાવી રાતદિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.

જ્યોર્જિયા ગ્વીનીટ કોલેજ-એટલાન્ટાના મેગેઝિનમાં ગરબાનું આકર્ષણ

ગુજરાતમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ અગાઉ અમેરિકાના એટલાન્ટા સિટી સ્થિત જ્યોર્જિયા ગ્વીનીટ કોલેજના મેગેઝિનમાં વડોદરાની વિદ્યાર્થિની દ્વારા લિખિત નવરાત્રી પર્વ અને ગરબાના આર્ટિકલની ‘એ’ ગ્રેડ આપી વાહવાહ થતાં વિદેશમાં ગુજરાત-વડોદરાનું નામ રોશન થયું છે.

જ્યોર્જિયા ગ્વીનીટ કોલેજમાં ચાલતા નર્સિંગના કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ફર્સ્ટ સેમેસ્ટરમાં 5-5 ના ગ્રૂપમાં વિવિધ વિષય પર મેગેઝિન તૈયાર કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પૈકી  ‘ટ્રાવેલ’ વિષય પર મેગેઝિન તૈયાર કરવાનો પ્રોજેક્ટ 5 વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા 5 સ્ટુડન્ટ્સની પસંદગી કરાઇ હતી. જેમાં ભારત, ચીન, વિયેતનામ, આફ્રિકા અને કોંગો દેશના 5 સ્ટુડન્ટ્સનો સમાવેશ થયો હતો. આ 5 સ્ટુડન્ટ્સે ભેગા મળીને પ્રો.ડૉ.સી.લિંગ વ્હાંગના માર્ગદર્શન હેઠળ તેમના દેશની સંસ્કૃતિ-પરંપરા, પોષાક, ખાણીપીણી અને જાણીતા સ્થળો વિશે રસપ્રદ માહિતી સાથેનું મેગેઝિન તૈયાર કર્યું હતું.

50 પેજના આ મેગેઝિનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત-વડોદરાની શૈલી દિવ્યકાંત ભટ્ટે ગુજરાતના જગપ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવના આકર્ષણ અને તેની ખ્યાતિને ઉજાગર કરતી માહિતી સાથેના આર્ટિકલનું લેખન કર્યું હતું. 5 દેશોના વિદ્યાર્થીઓએ લખેલા તેમના દેશની સંસ્કૃતિનું આલેખન કરતા આર્ટિકલ પૈકી વડોદરાની વતની શૈલી ભટ્ટ દ્વારા નવરાત્રી પર્વ વિશે લિખિત ‘A TOUR TO INDIAN CULTURE ’ આર્ટિકલને ‘એ’ ગ્રેડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત આર્ટિકલ સંબંધિત તસવીરની મેગેઝિનના મુખપૃષ્ઠ માટે પસંદગી કરાઇ હતી. એટલું જ નહીં ગુજરાત-વડોદરાના ગરબાની તસવીર તેમજ શૈલી ભટ્ટ અને તેના ફ્રેન્ડ્સની નવરાત્રી પર્વની તસવીરોને મેગેઝિનમાં સ્થાન મળતાં વડોદરા ગૌરવાંન્વિત થયું છે.