મેરાન્યૂઝ નેટવર્ક, વોશિંગ્ટન: અમેરિકાની અવકાશ એજંસી નાસાએ સૂર્ય પર પોતાનું પ્રથમ મિશન ‘પાર્કર સોલર પ્રોબ’ રવાના કર્યું છે. એક ગાડીની આકારનું આ અવકાશયાન સૂરજની સપાટીથી લગભગ 40 લાખ માઇલ દૂરથી પસાર થશે. આ પહેલા કોઈપણ અવકાશયાન સૂર્યની આટલી ગરમીનો સામનો કરી શક્યુ નથી. આ મિશનનો હેતુ એ જાણવાનો છે કે કેવા પ્રકારની ઉર્જા અને ગરમી સૂર્યની ચારે તરફ ઘેરો બનાવી રાખે છે.

આ પહેલા શનિવારે પાર્કર સોલર પ્રોબને લોન્ચ કરવાનું હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. કેપ કેનેવરલ સ્થિત પ્રક્ષેપણ સ્થળથી ડેલ્ટા-4 રોકેટ દ્વારા આ યાનને અવકાશમાં રવાના કરવામાં આવ્યું . આ યાન આગામી સાત વર્ષમાં સૂર્યના સાત ચક્કર લાવશે. ધરતી અને સૂરજ વચ્ચે સરેરાશ અંતર 9 કરોડ 30 લાખ માઇલ છે. આ મિશન સૂર્યના વાયુમંડળ જેને કોરોના કહેવામાં આવે છે તેનું વિસ્તૃત અધ્યયન કરવા માટે શરુ કરાયુ છે.

આ સ્પેસક્રાફ્ટને મોકલવાનો હેતુ સૂર્યની નજીકના વાતાવરણ, તેના સ્વભાવ અને કાર્યપ્રણાલીને સમજવાનો છે. આ મિશન હેઠળ સાત વર્ષ સુધી સૂર્યના વાતાવરણને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર નાસાએ 103 અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યાન 9 ફૂટ 10 ઇંચ લાંબુ છે અને તેનું વજન 612 કિલોગ્રામ છે.

આ યાનને ખૂબ શક્તિશાળી હીટ શિલ્ડથી સુરક્ષિત કરવામાં આવ્યુ છે જેથી તે સૂર્યના તાપને સહન કરી શકે અને ધરતીની સરખામણીએ 500 ગણુ વધુ રેડિયેશન સહન કરી શકે. આ કાર્બન શીલ્ડ 11.43 સેન્ટીમીટર જાડી છે. આ યાનને આજે રવિવારે અમેરિકાના સમય પ્રમાણે વહેલી સવારે 3 વાગ્યેને 31 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું.

આ મિશનનું નામ અમેરિકાના સૌર ખગોળશાસ્ત્રી યુઝીમ નેવમેન પાર્કરના નામ પર રાખવામાં આવ્યું છે. ખગોળશાસ્ત્રી પાર્કરે જ 1958માં પ્રથમ વખત અનુમાન લગાવ્યુ હતુ કે સૌર હવાઓ પણ હોય છે. આ અવકાશ યાન જ્યારે સૂર્યની નજીકથી નિકળશે ત્યારે ત્યાનું તાપમાન 2500 ડિગ્રી સેલ્સિયસ હશે. નાસાના જણાવ્યા અનુસાર જો બધુ ઠીક રહ્યુ તો યાદનઈ અંદરનું તાપમાન 85 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. આ યાન સૂર્યના વાયુમંડળ કોરોનામાંથી 24 વખત પસાર થશે.

આ યાન સાથે લગભગ 11 લાખ લોકોના નામ પણ સૂર્ય સુધી પહોંચશે. ચાલુ વર્ષ 2018ના માર્ચ મહિનામાં નાસાએ પોતાના ઐતિહાસિક મિશનનો હિસ્સો બનવા માટે લોકો પાસેથી નામ મંગાવ્યા હતા. નાસાએ જણાવ્યું હતું કે મે મહિના સુધી 11 લાખ 37 હજાર 202 નામ તેમને મળ્યા હતાં જેમને મેમરી કાર્ડ દ્વારા યાન સાથે મોકલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા હેલિયોસ-2 નામનું અવકાશ યાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયુ હતું. વર્ષ 1976માં આ યાન સૂર્યની લગભગ 4 કરોડ 30 કિલોમીટર નજીકથી પસાર થયુ હતું.