મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં 4 દોષિતોને જામીન પર છોડવાનો ઓર્ડર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓને આગ લગાવાઈ હતી. જે પછી સમગ્ર ગુજરાતમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું અને અલગ અલગ વિસ્તારોમાં સ્ટેબીંગ અને હત્યા સહિતના હિંસક બનાવો બન્યા હતા. તે દિવસોમાં અમદાવાદ શહેરના નરોડા પાટિયા ખાતે 96 લોકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નરોડા પાટિયામાં હિંસક બનેલી ભીડએ લગુમતી સમુદાયના લોકો પર હુમલા પણ કર્યા હતા. ગોધરા કાંડ બાદ વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ)એ બંધનું એલાન આપ્યું હતું.

આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલ્કરની અધ્યક્ષતાની ખંડપીઠે મંગળવારે ચાર મુખ્ય દોષિતોને જામીન આપ્યા છે. આ સાથે ખંડપીઠે કહ્યું હતું કે, તેમને દોષિત ગણવા અંગે શંકા છે. કેસમાં હજું ચર્ચા થઈ શકે છે એટલે તેમણે જામીન આપ્યા છે. તમામ આ દોષિતો આઈપીસી કલમ 436 (ઘરને નષ્ટ કરવાના ઈરાદે આગ લગાવવી કે વિસ્ફોટ કરવો) અંતર્ગત દોષિત ઠેરવાયા હતા. આ કેસમાં ચાર આરોપી ઉમેશ સુરાભાઈ ભરવાડ, રાજકુમાર, પદમેન્દ્રસિંહ જશવંતસિંહ રાજપુત અને હર્ષદ પરમારને જામીન આપ્યા છે. આ લોકો દસ વર્ષથી જેલમાં હતા. આ આરોપીઓ જ્યાં સુધી અંતિમ સુનાવણી નહીં થાય ત્યાં સુધી જામીન પર રહેશે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની સજા પર આશંકા વ્યક્ત કરી હતી. ઉપરાંત પ્રકાશ સુરેશભાઈ રાઠોડને 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીના વચગાળાના જામીન તેની દીકરીના લગ્નમાં હાજર રહેવા માટે કોર્ટે આપ્યા છે.

આ કેસ અંગે ઓગસ્ટ 2009માં પ્રથમ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં 82 આરોપીઓ સામે કેસ નોંધાયો હતો. સુનાવણી દરમિયાન 327 લોકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમાં પીડિતો, ડોક્ટર્સ સહિત પોલીસ અધિકારી અને સરકારી અધિકારીનો પણ સમાવેશ હતો. ત્યારબાદ 29 ઓગસ્ટ 2012ના રોજ વિશેષ અદાલતે રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા માયા કોડનાની સહિત 32 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેમાં કોડનાનીને 28 વર્ષના કારાવાસની સજા સંભળાવામાં આવી હતી. માયા કોડનાની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભીડને કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.

આ મામલે આરોપી બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. જ્યારે અન્ય સાત લોકોને 21 વર્ષની સજા અને બાકીના લોકોને 14 વર્ષની આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. નીચલી કોર્ટે પુરાવાના અભાવે અન્ય 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યાં દોષિતોએ નીચલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે સ્પેશ્યલ તપાસ દળે 29 લોકોને નિર્દોષ છોડવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.