મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)  સુરતના કન્વિનર અલ્પેશ કથિરીયાના પરિવારજનો સાથે આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી. નરેશ પટેલે અલ્પેશ કથિરિયાના સુરતના નાના વરાછા ખાતે આવેલ ગીરનાસ સોસયટીમાં રહેતા અલ્પેશ કથિરીયાના પરિવાજનો સાથે મુલાકાત કરી તે સમયે દિનેશ બાંભણીયા પણ હાજર હતા.

આ મુલાકાત અંગે અલ્પેશ કથિરીયાન પરિવારજન ઘનશ્યામભાઇએ મીડિયાને જણાવ્યું હતું કે નરેશ પટેલે મુલાકાત લઇને અલ્પેશની જેલમુક્તિ માટે પ્રયાસ ચાલુ હોવાની વાત કરી હતી. સાથે જ કોઈપણ મદદની જરૂર હોય તો કહેજો તેમ કહ્યું છે.      

નરેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અલ્પેશની માતાએ તેમને અલ્પેશની જેલ મુક્તિ કરાવવા કહ્યું હતું. હાલ કોર્ટ મેટર છે અને કેસ ચાલે છે. જેથી ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે અલ્પેશની જેલમુક્તિ માટેના પ્રયાસો જારી છે અને સરકાર સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા ચાલે છે.