અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતમાં એસસીએસટી, ઓબીસી અને એનટી-ડીએનટી તથા વિચરતી અને વિમુક્ત જાતિઓના ખોટા જાતિના પ્રમાણપત્રો લઈ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોવા છતાં ખોટા જાતિ પ્રમાણત્રનો રાજકીય, આર્થીક, સામાજીક અને શૈક્ષણીક સાથે સરકારી નોકરીઓમાં ઘણા લોકો આ પ્રમાણપત્રોને આધારે વિવિધ લાભો મેળવી રહ્યા છે અને આ વર્ગનો બંધારણીય હક ઝૂંટવાઈ રહ્યો છે. તેઓની સાથે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા 2005માં માધુરી પાટીલ V/s અધર સ્ટેટના જજમેન્ટોનું પાલન ન થતાં આરટીઆઈ એક્ટીવીસ્ટ અને વ્હીસલ બ્લોઅર મૌલિક શ્રીમાળી દ્વારા કન્ટેમ્પટ વીથ રિટપીટીશન પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસની કોર્ટમાં કરવામાં આવી છે.

આ રિટપીટીશન પીઆઈએલના પગલે ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસે સરકારના મુખ્ય સચિવ, આદીજાતિ વિભાગના અગ્રસચિવ, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ અને અન્ય સંબંધિતોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સૂચક ગંભીર બાબત એ છે કે, સરકાર એક અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું કથિત જાતિ પ્રમાણપત્ર ખોટું છે તે સાબીત કરવા માટે રાજકીય રીતે છેલ્લી કક્ષાના ધમપછાડા કરી રહી છે.

જ્યારે આ વર્ગો માટે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ અને કડક ચૂકાદો આપ્યા પછી પણ ગુજરાત સરકાર તેનું પાલન ન કરતાં હજારો યુવક યુવતિઓને તેમના બંધારણીય હક્કથી વિમુખ થવાનો વારો આવ્યો છે. જે અંગે હાલમાં જ આવા આક્રોશનો ભોગ મંત્રી ગણપત વસાવાને પણ બનવું પડ્યું હતું. પ્રજાએ માર મારતા ભાગવું પડ્યું હતું.

લોકસભામાં સાંસદ રામદાસ તડાસ અને હરિશચંદ્ર ચવાન દ્વારા જાતિના ખોટા પ્રમાણપત્રોથી સરકારી નોકરીઓ મોટા પ્રમાણમાં આપવામાં આવી હોવાના પ્રશ્નના જવાબમાં ખુદ વડાપ્રધાને લેખિત જવાબમાં સ્વીકાર્યું છે કે આવા ખોટા જાતિના પ્રમાણપત્રો મોટી સંખ્યામાં બહાર આવ્યા છે અને અમારી સરકાર તેને અટકાવવાના પ્રયાસો કરી રહી છે.