મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ આફત અને વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપને અવસરમાં ફેરવી નાખવાની અનોખી કળા ધરાવે છે. હવે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મોદીને ભ્રષ્ટાચાર મામલે ‘ચોકીદાર નહીં પણ ભાગીદાર’ છે તેવો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દાને નરેન્દ્ર મોદીએ અવસરમાં ફેરવી નાખી ‘ભાગીદાર’ શબ્દને પકડી લીધો છે અને તેમણે પોતાને પ્રજાના દુખમાં, લોકોના વિકાસમાં, યુવાનોને રોજગારી આપવામાં ભાગીદાર હોવાનું જણાવ્યું છે. હવે ‘ભાગીદાર’ શબ્દ આગામી લોકસભા ચૂંટણી મહત્વનો સાબિત થઇ રહે અને મોદી પોતાના આગામી ભાષણોમાં પણ આ શબ્દનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે તો નવાઇ નહીં. આ પહેલા તેઓ વિરોધીઓ દ્વારા તેમની સામે ઉપયોગ કરાયેલ ‘ચાવાળા’ અને ‘મોત ના સોદાગર’ શબ્દને પકડી લોક ચાહના તથા વોટ મેળવી ચુક્યા છે.    

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે “ તમે સાંભળ્યુ હશે કે હાલમાં મારા પર એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મારા પર આક્ષેપ છે કે હું ચોકીદાર નહીં પણ ભાગીદાર છું. પરંતુ દેશવાસીઓ આ આક્ષેપને ઇનામ માનુ છુ. મને ગર્વ છે કે હું દેશના દુખી લોકોના દુખનો ભાગીદાર છું. હું મહેનત કરતા મજૂરોનો ભાગીદાર છું. હું દરેક દુખીયારી માતાની તકલીફોનો ભાગીદાર છું. હું તે ખેડૂતનો ભાગીદાર છું જેનો પાક દુષ્કાળ અથવા પૂરમાં નષ્ટ થઇ જાય છે. હું તે ખેડૂતની આર્થિક સુરક્ષા કરવાનો ભાગીદાર છું. હું તે સુરક્ષા દળોનો ભાગીદાર છું જેઓ સરહદ પર હાડ ગળાવતી ઠંડી અને ગરમીમાં દેશની સુરક્ષા કરી રહ્યા છે. હું તે ગરીબ વ્યક્તિનો ભાગીદાર છું જે પોતાના પરિવારના સભ્યોની દવા કરાવવા માટે જમીન પણ વેચવા મજબૂર બને છે. હું ગરીબોને ઘર, વીજળી, પાણી, શિક્ષણ, શૌચાલય અને યુવાનોને રોજગારી મળે તે તમામ પ્રયત્નોનો ભાગીદાર છું. મને ગર્વ છે કે ભાગીદાર છું અને એક ગરીબ માતાનો દિકરો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામે જે રીતે રાહુલ ગાંધી દ્વારા ટોન્ટમાં ‘ભાગીદાર’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેનો હવે નરેન્દ્ર મોદી અવસરમાં પલટતા નજર આવી રહ્યા છે. આગામી સમયમાં મોદી સરકારની ઉજ્વાલા યોજના, પાક વીમા યોજના, કાળુ નાણુ પાછું લાવવા સહિતની યોજનાઓ તથા લોકસભાની ચૂંટણી માટે ભાજપની વિવિધ જાહેરાતોમાં પણ ‘ભાગીદાર’ શબ્દનો વિશેષ પ્રયોગ થાય અને તે અખબારો, ટીવી અને અન્ય સોશિયલ માધ્યમોમાં છવાઇ જાય તો નવાઇ ન પામતા.

વર્ષ 2007માં ગુજરાતમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા ગોધરાકાંડનો સંદર્ભ ટાંકી નરેન્દ્ર મોદીને ‘મોત કા સોદાગર’ કહ્યા હતા. સોનિયા ગાંધીના આ શબ્દો મોદી માટે આફત સમાન હતા પરંતુ મોદીએ તેને અવસરમાં પલટી નાખ્યા અને ભોપાલ ગેસ કાંડ, ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણોને પોતાના નિવેદનોમાં લાગી ‘મોત કા સોદાગર’ કોણ છે તેમ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સભાને સંબોધિત કરતા ત્યા સુધી કહ્યું હતું કે શું તમે ગાંધીનગરની ગાદી પર મોતને સોદાગરને બેસાડ્યો છે? શું મોતના સોદાગર કહી કરેલું અપમાન ગુજરાતીઓનું અપમાન નથી? આમ મોદીએ પોતાના પર થયેલ આક્ષેપને પ્રજા સાથે જોડી દીધો હતો. જ્યાર બાદ 2014માં પણ ‘મોત કા’ સોદાગર’ નો મુદ્દો ચગ્યો હતો અને મોદીએ ફરી વખત તેનો ફાયદો ઉઠાવ્યો હતો.
 

આ સિવાય જ્યારે તેમને કોંગ્રેસના નેતાઓ દ્વારા ‘ચા વેચવાવાળા’ કહી લાખો રૂપિયાની કિંમતના કપડા પહેરે છે તેવું કહેવામાં આવ્યુ તો તેનો પણ મોદીએ ફાયદો ઉઠાવી લીધો હતો અને ચૂંટણી રેલીઓમાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદી કહેતા નજરે પડ્યા કે “તમને ચા વેચી ગુજરાન ચલાવનાર નેતા જોઈએ કે દેશ વેચનાર નેતા જોઈએ. ચા વેચનારો દેશનું કોઈ નુકશાન નહીં કરે તેનો વિશ્વાસ લોકોને કરાવવા આવ્યો છું.”  

નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસને આડે હાથ લેવા માટે ‘ખૂની પંજા’, ‘જાલીમ હાથ’, ‘મૌન મોહનસિંગ’, ‘શહેઝાદા’, ‘મેડમ સોનિયા’ તથા સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દા ઉઠાવતા રહ્યા છે.

આગામી લોકસભા ચૂંટણી વર્ષ 2019માં યોજાવા જઇ રહી છે ત્યારે ગત લોકસભા ચૂંટણી 2014માં મોદીએ આપેલા વચનો કેટલા પૂર્ણ કર્યા તેના કરતા કદાચ વિપક્ષ દ્વારા કરાયેલ પ્રહારોને જ પોતાનું હથિયાર બનાવી ભાજપ અને મોદી ‘ભાગીદારી’ જેવા શબ્દો આગામી લોકસભા ચૂંટણી લડે અને લોક માનસ પર એક અલગ જ અસર કરે તો નવાઇ નહીં. ત્યારે હવે કોંગ્રેસે પણ જોવું રહ્યું કે તેમના દિગ્વિજય સિંહ અને શશિ થરુર જેવા નેતા પોતાના નિવેદનોમાં સંયમ જાળવે જેથી પોતાના પક્ષને ફાયદો કરાવવા જતાં ક્યાંક ભાજપ તે મુદ્દાને પકડી ફાયદો ન ઉઠાવી લે.