પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):

આદરણી

નરેન્દ્રભાઈ 2019ની ચૂંટણી પહેલા થયેલી આ વિધાનસભાની ચૂંટણી પરિણામ હવે જાહેર થઈ ગયા છે. મારો આ પત્ર આપના સુધી પહોંચશે તે પહેલા ક્યા રાજ્યમાં ક્યા પક્ષની સરકાર થશે તે પણ સ્પષ્ટ થઈ ગયુ હશે. 2014માં કોંગ્રેસથી થાકી ગયેલી દેશની પ્રજાએ પાછુ વળીને જોયા વગર તમને મત આપ્યા હતા. 2014માં તમને મળેલી જીતનો તમામ શ્રેય માત્રને માત્ર તમને ગયો હતો. દેશને તમારા નામ અને શબ્દોમાં ભરોસો હતો. પરંતુ 2017માં ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણી અને 2018માં થયેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મીઝોરમ વિધાનસભાની ચૂંટણી તમારા અને ભાજપ માટે ચેતવણી સમાન છે.

2014માં તમને સત્તા મળી અને તમે વડાપ્રધાન થયા પછી દેશનો સામાન્યમાં સામાન્ય માણસ એવુ માની રહ્યો હતો કે તેમના જીવનમાં હવે સારૂ થશે કારણ તમે અચ્છે દિનની વાત કરી હતી. પરંતુ બહુ પ્રામાણિકપણે વાત કરૂ તો અચ્છે દિન તો ઠીક પણ તેનો અહેસાસ પણ દેશની જનતાને થયો નહીં. તમને પ્રજાએ દેશના વડા તરીકે બેસાડ્યા હતા પરંતુ તમે સત્તામાં આવ્યા પછી અમારા માટે કંઈક કરવાને બદલે તમે તો તમારો રાજકિય હિસાબ પુરો કરવામાં અને વિરોધીઓને ખતમ કરવા તમારો સમય આપી રહ્યા હતા. તમારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ સામે જે વાંધો હોય તે તમને હિસાબ પુરો કરો તેની સામે અમને કોઈ વાંધો  ન્હોતો. પરંતુ તમે અમારી તરફ ધ્યાન આપવાને બદલે માત્ર વિરોધ પક્ષને ખતમ કરવા માટે જ વડાપ્રધાન થયા હોય તેવુ લાગી રહ્યુ હતું.

આજે જે પરિણામ આવ્યા છે તેની જવાબદારી પણ તમારે જ ઉપાડી લેવી જોઈએ કારણ તમે કાયમ સફળતા જ પિતા થયા છો. તમે ક્યારેય નિષ્ફળતાને ગળે લગાડી નથી. જે રાજ્યો તમે હાર્યા છો અને જે રાજ્યમાં કોંગ્રેસ અસાધારણ રીતે મજબુત થઈ છે તેની જવાબદારી પણ તમારે જ લેવી પડશે. તમે દેશનો કોંગ્રેસ મુક્ત કરો તેની સામે પણ અમને વાંધો ન્હોતો. પરંતુ તમે તો કોંગ્રેસના ભ્રષ્ટ અને ગુંડા નેતાઓને ભાજપમાં પ્રવેશ આપી કોંગ્રેસયુક્ત ભાજપ બનાવી દીધી તો પછી તમારી અને કોંગ્રેસ વચ્ચે કઈ બાબતનું અંતર રહ્યુ? કોઈ પણ લોકશાહી માટે વિરોધ પક્ષની નોંધપાત્ર હાજરી હોવી જરૂરી છે, કારણ તે બેફામ શાસકને રોકવાનું કામ કરે છે. પરંતુ તમારી બિનલોકશાહી પ્રણાલિકાને કારણે વિરોધ પક્ષનું અસ્તીત્વ ખતમ થઈ રહ્યુ હતુ જે અમારી માટે ચિંતાનો વિષય હતો.

પરંતુ તમારા અહંકારને પ્રજાએ બ્રેક મારી છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામે તમને ચેતવ્યા છે કે અહંકારી શાસકને પ્રજા ક્યારેય મંજુર કરતી નથી. તમારી પહેલા ઈન્દીરા ગાંધી સત્તાના અહંકારમાં ભુલી ગયા તો પ્રજાની લાઠીમાં અવાજ હોતો નથી. 2019 લોકસભાની ચૂંટણીને થોડા મહિના જ રહ્યા છે, તમારા નજીકના ગણાતા લોકો હવે તમને છોડી જઈ રહ્યા છે. તમે જેમની પાસે નોટબંધી કરાવી તેઓ ત્યારે પણ તમારી સાથે સંમત્ત ન્હોતા તેવુ હવે તેઓ કહી રહ્યા છે. નોટબંધી થઈ ત્યારે મેં કહ્યુ હતું કે તમારો નિર્ણય ખોટો અથવા સાચો છે તેના માટે તમને સમય આપવો જરૂરી છે. પરંતુ નોટબંધીના બે વર્ષ બાદ સમજાય છે કે નોટબંધીને કારણે કોને ફાયદો થયો અને ક્યા ચોરો જેલમાં ગયા તે હજી પણ સ્પષ્ટ થયુ નથી, જેઓ પ્રામાણિક છે તેમની હાલત વધારે ખરાબ થઈ છે. પ્રામાણિક વેપારી તેની આવકના 1000 રૂપિયામાંથી 300 રૂપિયા ઈન્કમટેક્સ ભરે અને 180 રૂપિયા જીએસટી ભરે છે. આમ તે 1000માંથી 480 રૂપિયા તો ટેક્સ પેટે સરકારને આપે છે આ કેવી વ્યવસ્થા છે.

તમે રાજકારણના કીડા છો, તમે હમણાં સુધી કોંગ્રેસ અને તમારા વિરોધીઓને મ્હાત આપતા રહ્યા છો. પરંતુ દરેક વાતમાં રાજકારણ લાવ્યા વગર દેશને અને દેશના એક એક નાગરિકના જીવનમાં સારૂ થાય તે માટે પ્રયાસ કરજો નહીંતર પ્રજા 2019માં તમારો પણ હિસાબ કરી નાખશે.તમારી ફોજમાં સારૂ કહેનાર ચાપલુસોની સંખ્યા વઘારે છે, ખરેખર તમને કડવુ કહેનારની પણ  તમને જરૂર છે. બધુ જ સારૂ થશે તેવી પ્રાર્થના સાથે..

તમારો

પ્રશાંત દયાળ