મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાહ...વાહ કરવાના બહાને ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના સ્થાનિક નેતાઓ પર અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે ફિલ્મી સ્ટાઈલમાં નિશાન તાક્યું છે. પરેશ રાવલે ભાજપ સરકાર અને પ્રદેશ નેતાઓની નબળી કામગીરીની પોલ ખોલતા કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં લીલી વાડી મુકીને દિલ્હી ગયા છે, પરંતુ ગુજરાતમાં આ લીલી વાડી ઉજાડવા માટે આપણે મથ્યા રહેતા હોવાથી નરેન્દ્ર મોદીને વારેઘડીએ ગુજરાત આવી પરિસ્થિતિ સંભળાવી પડે છે... એટલે આપણે નગુણા કહેવાઈએ..!

છેલ્લા સાડા ચાર વર્ષમાં અમદાવાદ પૂર્વ સંસદીય મતક્ષેત્રમાં ઘણા ઓછા દેખાયેલા ભાજપના સંસદસભ્ય પરેશ રાવલે વડાપ્રધાનના નામે ગુજરાત ભાજપની નેતાગીરીને જોરદાર ચાબખા માર્યા છે. અમદાવાદમાં યોજાયેલા ભાજપના નુત્તન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં પરેશ રાવલે સાંસદના બદલે અદાકારની જેમ ફિલ્મી સ્ટાઈલમાં ભાષણ કરી ભાજપના સ્થાનિક નેતાઓની પોલ ખોલી નાંખવા સાથે બોલતી બંધ કરી દીધી છે. સામાન્ય રીતે ભાજપના આ સાંસદને મતદારો જ શોધતા ફરતા હોય છે ત્યારે પરેશ રાવલે ફિલ્મી અંદાજમાં ભાજપ સરકાર અને પ્રદેશ નેતાગીરીને ઝપટમાં લઇ કહી દીધું કે, આપણે નગુણા છીએ..!

આ પ્રસંગે પરેશ રાવલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લીલી વાડી મુકીને દિલ્હી ગયા છે. પરંતુ ગુજરાતમાં આપણે એટલે કે, ભાજપના નેતાઓ-કાર્યકરોએ શું કર્યું..?...લીલી વાડીને ઉજાડી, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર ગુજરાતમાં આવીને પરિસ્થિતિ સંભાળવી પડે છે એ આપણી નગુણાઈ છે..! પરેશ રાવલે તો ત્યાં સુધી કહી દીધું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર કરવો પડે અને વારેઘડીએ ગુજરાતની ચિંતા કરવી પડે એ જ આપણી નગુણાઈ છે.

તેમણે કહ્યું કે, આપણા બધાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી જાય તેવો તેમને ડર છે. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસને તો આપણાથી પણ ડર લાગે તેટલી માયકાંગલી છે. આગામી લોકસભાની ચૂટણીમાં પ્રજા, ભાજપ તેમજ આ સંસદસભ્ય પાસે હિસાબ માંગે તે પહેલા જ પરેશ રાવલે ભાજપ સરકાર અને સંગઠનને જમીની હકીકત કહેતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે આ સાથે ભાજપમાં રાજકીય ચર્ચા પણ શરુ થઇ ગઈ છે કે, પોતે તો મત વિસ્તારમાં રહેતા નથી અને બીજાને સલાહ આપે છે...