હિતેશ ચાવડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): મેરાન્યૂઝ દ્વારા નરેન્દ્ર મોદીના કથિત ભાષણને ચકાસતો એક સેમ્પલ સર્વે કરવામાં આવ્યો જેમાં ગુજરાતના ચાર મુખ્ય જીલ્લા અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ જીલ્લાના ચાર ગામને રેન્ડમ સેમ્પલ તરીકે લેવામાં આવ્યા જેમાં દરેક ગામમાં કાચા-માટીના મકાનમાં રહેતા લોકોની સ્થિતિ વિષે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, જે અહેવાલ સાબિત કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની સભા દરમિયાન ભાષણ દરમિયાન બોલ્યા હતા કે,” મારે હવે ગુજરાતના ગામડામાં એક પણ કાચું ઘર ન જોઈએ, જે કાચા ઘર છે એને મારે પાકા બનવવા છે અને એટલે માટે મેં સરપંચો ને કહી  દીધું છે.  હમણાં તલાટી મંત્રીઓને બોલાવાયા હતા એમને પણ કહ્યું  છે કે તમારા ગામની અંદર જેટલાં પણ કાચા મકાન હોય એના ફોટા પાડીને રેકોર્ડ તૈયાર કરો  અને જેવી ચૂંટણી પતશે, ગુજરાતના એક એક ગામમાં ઝુપડું છે ત્યાં મકાન બનાવવાનું વચન આપું છું. એક પણ ગામ એવું નહીં હોય, એક પણ  ઝુપડું એવું નહીં હોય , એક પણ  કાચું ઘર  નહીં હોય, પાકા મકાન બનાવવાનો મારી સરકારે નિર્ણય કર્યો છે. હજારો કરોડનો ખર્ચો થશે તો પણ હું કરવાનો છું ...”

પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં વધુ બે વખત સરકાર બનાવી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની ગયા પણ એ વચન પૂરું ન થયું અને હજી ગુજરાતના દરેક જીલ્લામાં દરેક ગામમાં હજી એવા પરિવારો છે જેને રહેવા માટે પાકા મકાનો નથી.

મેરાન્યૂઝ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ જીલ્લા કુલ ચાર ગામમાં મુકાલાત લીધી હતી. જ્યાં એવા પરિવારને મળ્યા જેમને રહેવા લાયક ઘર નથી.

૧) આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાનું વણસોલ ગામ:

આ ગામે રહેતા ચંચળબેન નારાયણભાઈ હરીજન, આશરે ૭૫ વર્ષની ઉંમરના આ બેન બરાબર જોઈ કે ચાલી શકતા નથી, વિધવા છે અને દિકરાના પરિવાર સાથે રહે છે, ઘર જુનું છે આવી કોઈ યોજનાનો લાભ નથી મળ્યો અને આજ મકાનમાં વર્ષોથી રહે છે.

૨) ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાનું ચલાલી ગામ:

ચલાલી ગામમાં તારાબેન તળપદાના ઘરની મુલાકાત લીધી જેમાં જોવા મળ્યું કે અંધારીરૂમ ધરાવતું એક નાનકડું માટીનું ઘર, જે ઘરને કોઈ આવાસ યોજનાનો લાભ નથી મળ્યો, સરકાર દ્વારા પ્રચાર અર્થે જે ઉજ્જ્વાલા યોજનાના ગેસ સીલીન્ડર- કનેક્શન  આપવામાં આવ્યા તેનો ખાલી ગેસનો સીલીન્ડર અને સગડી ઘરમાં ધૂળ ખાતા જોવા મળ્યા. જ્યારે મહિલાને પૂછ્યું તો કહ્યું ૮૦૦-૯૦૦ રૂપિયા હોય તો ગેસની બોટલ ભરાવીએને, ૮ મહિનાથી ખાલી પડેલ છે અને જેના કારણે મહિલા રોજ ચૂલો ફૂંકે છે. આ એ જ પરિવાર છે જેણે રહેવા માટે મોદી સરકારના વચનો સરકારી આવાસ આપી શક્યા નહીં અને ઉજ્જ્વાલા યોજનાનો લાભ લેવો મોંઘો પડ્યો.

૩) અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાનું એનાસણ ગામ:

અમદાવાદ રીંગ રોડથી બાજુમાં આવેલું દસક્રોઇ તાલુકાનું  એનાસણ ગામ આમ તો વિકસિત છે પણ ગરીબ પરિવાર માટે સરકારી આવાસ અહિયાં પણ નથી જેથી, જુના કાચા મકાનમાં ગલાજી ડાભીનો પરિવાર રહે છે, ગલાજીનો એક દિકરાનું મૃત્યુ થયું છે અને બીજા દિકરાના ૩ બાળકો અને પત્ની સહીત ૬ લોકોનો પરિવાર કાચા મકાનમાં રહે છે, વહીવટીતંત્ર છેવાડાના ગામે ન પહોંચતું હોય એવી વાતો થતી હોય છે પરંતુ અહિયાં તો અમદાવાદ જેવા મેગા સીટીની બાજુમાં જ આ સ્થિતિ છે.

૪)  ગાંધીનગરના જીલ્લ્લાના ગાંધીનગર તાલુકાનું અંબાપુર:

રાજધાની ગાંધીનગરના જીલ્લ્લાના અંબાપુર ગામે આજ સ્થિતિ છે, હજી આશરે ૬૦ જેટલા પરિવારો પાસે પાકા મકાનો નથી. જેમાં ભીખીબેન ઠાકોરનામની વિધવા મહિલા ગામમાં રહેલું જુનું ઘર ભંગાર હાલતમાં હોઈ ૩ દીકરીઓ અને એક દિકરાને લઈને ખેતરમાં વસવાટ કરે છે. જ્યારે મેરાન્યૂઝની ટીમે મુલાકાત લીધી ત્યારે નાની ૭ વર્ષની દીકરી ચૂલો ફૂંકી રહી હતી અને ખેતરમાં ઓરડી બનાવીને આશરો લઇ રહેલો પરિવાર નજરે પડ્યો.

ચાર જીલ્લાની રેન્ડમ મુલાકાત એ સ્થિતિનો ખ્યાલ આપે છે કે રાજ્યના મુખ્ય જીલ્લાઓમાં લોકોને રેહવાના મકાનની સ્થિતિ હજી એવી જ છે, રાજ્ય સરકાર કે કેંદ્ર સરકારની યોજના આવી પરંતુ નરેન્દ્રભાઈ મોદીનું સપનું કહો કે વચન કે ‘રાજ્યમાં એક પણ ગામ એવું નહીં હોય, એક પણ  ઝુપડું એવું નહીં હોય , એક પણ  કાચું ઘર  નહીં હોય, પાકા મકાન બનાવવાનો મારી સરકારે નિર્ણય કર્યો છે’ અધૂરું છે હજી.

જ્યારે આ સ્થિતિ વિષે પરિવાર, સરપંચ અને ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી  જેમાં ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના છેવાડાના ગામ ચલાલીના સરપંચ ચંપકભાઈ તળપદા એ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી પણ હજી અમલમાં નથી આવી અહીંયા સુધી.  સરકારી આવાસો બનાવવા માટેની યાદીમાં બાકી રહેલા લોકોનું નામ જેતે સમયે આવેલું નહીં, જેથી એ લોકોના મકાન રહી ગયા હતા.  હવે, અમારી પાસે નવી યાદી માંગી છે અમે નવી યાદી તાલુકા પંચાયતમાં મોકલી આપવામાં આવશે.

આ બાબતે એનાસણના ગલાજી ડાભીએ જણાવ્યું કે કોઈ આવાસનો લાભ નથી મળતો, જરૂરિયાત વગરના લોકોને લાભ આપી દેવામાં આવે છે, પેહલા કેરોસીન મળતું એ પણ કાર્ડ બદલી આપવાના નામે BPLની જગ્યાએ APL કાર્ડ આપી દીધું છે. આ બાબતે અંબાપુરગામના સ્થાનિક ગોરધનભાઈ પટેલે જણાવ્યું કે ગામમાં વિધવા બહેનો અને ગરીબ પરિવારને જેને સાચે જરૂર છે એમને લાભનથી મળતો જેમને લાભ આપવાની જરૂર છે.