મેરાન્યૂઝ નેટવર્ક.પાસીઘાટઃ લોકસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ ચરણને હવે થોડા જ દિવસો બાકી છે. હજુ ભાજપ અને કોંગ્રેસને કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ત્યારે બંને પાર્ટીઓ પોતાના મતદારોને આકર્ષીત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં બે રેલી થવાની છે. તેમાંથી એક રેલી કોલકાતામાં છે. નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની એક સભામાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, મેં મુશ્કેલથી મુશ્કેલ કામ હાથમાં લીધા છે. મેં કદી કામમાંથી રજા લીધી નથી કે આરામ પણ કર્યો નથી. હું સતત કામ કરતો આવ્યો છું.

અરુણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, હું પડકારોને પણ પડકારો આપનારો માણસ છું. આજે અરુણાચલ પ્રદેશમાં વિકાસનું ડબલ એન્જિન લાગ્યુ છે. એક પરિવારે દેશ પર 55 વર્ષ શાસન કર્યું છે. તેમ છતાં તેઓ દાવો નથી કરતી શકતા કે તેમણે બધા કામ પુરા કર્યા છે. મને તો માત્ર 55 મહિના જ થયા છે. હું દરેક મુશ્કેલ કામ હાથમાં લઉં છું. મેં કદી રજા નથી લીધી. કદી આરામ નથી કર્યો. સતત કામ કરતો રહું છું.

વડાપ્રધાને કહ્યું કે, તમારા વિશ્વાસનું જ પરિણામ છે કે, આઝાદીના 7 દશકા પછી અરુણાચલના દરેક ગામમાં વીજળી પહોંચી શકી છે. દરેક ઘર રોશન થઈ શક્યા છે. તમે સાથ આપ્યો તેથી જ અમે પાસીઘાટ અને ઈટાનગરને સ્માર્ટ સિટી બનાવવાનું અભિયાન લઈ શક્યા છીએ. આ ચૂંટણી ભ્રષ્ટાચાર અને વિકાસ વચ્ચેની ચૂંટણી છે. તમારી પરંપરાઓની મજાક ઉડાવનાર લોકો સામે ચૂંટણી થઈ રહી છે.

તેમણે વધુ ઉમેરતાં કહ્યું કે, અમુક લોકોએ તમારી પરંપરાઓની મજાક ઉડાવી છે, પરંતુ અમે તમારી પરંપરાઓને અપનાવીએ છીએ. તમારો આ ચોકીદાર તમારી સાથે ઊભો છે. અમે એક વાયદો કરીને તેને દશકાઓ સુધી ટાળ્યા કરીએ તેવા નથી.