મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નલિયાની નિર્ભયાને ન્યાય આપવામાં નિષ્ફળતાના કારણે દરરોજ કેટલીય નિર્ભયાના શિયળ જોખમમાં મૂકાઈ ગયા હોવાનું જણાવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારના કાર્યકર્તાઓ સત્તાની છત્રછાયા નીચે અનૈતિક બન્યા છે.

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બહેનોને મુશ્કેલીમાં ૧૫ પૈસાનો પોસ્ટકાર્ડ લખવાનું કહેનાર તત્કાલીન મુખ્યમંત્રી મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.જેમાં નલિયાની નિર્ભયાનું ભાજપના ભૂખ્યા વરુઓ દિનદહાડે શિયળ નોચતા હતા.તે નિર્ભયા આજે પણ ન્યાય મેળવવા માટે દર દર ભટકી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર ભાજપ સરકારે ફી નિયંત્રણમાં ચૂંટણી વખતે વાલીઓના વિજયના હોર્ડિંગ્સ લગાવી મતો મેળવી લીધા પરંતુ હવે પ્રજાને છેતરી રહ્યા છે.

જ્યારે નર્મદા યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનું રાજકીયકરણ કરનાર ભાજપે દરવાજાની ઉંચાઈ વધારતા વધારે પાણી રહેવું જોઈતું હતું. પરંતુ નરેન્દ્ર મોદીને સી-પ્લેન ઉડાડવા સાથે રાજકોટમાં આજી ડેમ ભરવા અને બોટાદમાં સૌની યોજના માટે પાણી વેડફી નાખવામાં આવ્યું છે. જેના કારણે નર્મદાનો પટ કોરોધાકોર થઇ જવા સાથે ૯ કિલોમીટર સુધીના વિસ્તારમાં દરિયાના ખારા પાણી ઘુસી ગયા છે. આ ઉપરાંત ભાજપ સરકારની બેદરકારીના કારણે કેનાલોનું નેટવર્ક પૂરું નહીં કરતા રાજ્યમાં ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. તો લોકોને પીવાનું એક ટીપું પાણી મેળવવા માટે ભટકવું પડે તેવી ગંભીર સ્થિતિની નિર્માણ થયું છે. તેના માટે ગુજરાત અને મધ્ય પ્રદેશની સરકારો તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું છે.