નવી દિલ્હી: ભારતીય આર્મીના હથિયારના ડેપો નજીક પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામ ન કરવાના કોર્ટના આદેશ છતાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના નેતા એવા નિર્મલ સિંહની પત્ની મમતા સિંહ સહિત ઘણા પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ  આદેશના અનાદરની કાર્યવાહી કરવા આર્મી દ્વારા માગણી કરવામાં આવી છે.

ભારતીય આર્મીના નગરોટા હથિયાર ડેપો નજીક મકાન બાંધકામને લઇને થયેલા વિવાદમાં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે 7 મે ના રોજ આપેલા આદેશનું પાલન ન કરવા પર વરિષ્ઠ મહેસુલ અને પોલીસ અધિકારીઓને 30 મે સુધીમાં રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.

કોર્ટના આદેશ બાદ ભારતીય આર્મી તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહની પત્ની અને ભાજપ નેતા મમતા સિંહ વિરૂદ્ધ કોર્ટના આદેશનું પાલન ન કરવાનો કેસ દાખલ કરાયો છે.

ભાજપના નેતા નિર્મલ સિંહ સહિત ભાજપના કેટલાક મોટા નેતાઓએ વર્ષ 2000માં હિમગીરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ નામની કંપની બનાવી હતી. આ કંપની દ્વારા નગરોટામાં આર્મીના હથિયાર ડેપો નજીક એક જમીન ખરીદી હતી અને હવે ત્યા મકાન નિર્માણનું કામ ચાલી રહ્યું છે જેનાપર આર્મી દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે.

આ કંપનીમાં નિર્મલ સિંહ સહિત પત્ની મમતા સિંહ, હાલના જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી કવીન્દ્ર ગુપ્તા અને ભાજપના સંસદ સભ્ય જુગલ કિશોર પણ સામેલ છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 7 મે ના આદેશમાં હાઇકોર્ટે તંત્રને વર્ષ 2015માં જમ્મુના ડીસીપી દ્વારા હથિયાર ડેપો નજીક કોઈપણ પ્રકારના બાંધકામને પ્રતિબંધિત કરવાના આદેશનો અમલ કરવા કહ્યું હતું. હાઇકોર્ટના આ આદેશને પણ ન માની નિર્મલ સિંહની પત્ની મમતા સિંહ સહિત રેવન્યુ કમિશ્નર શહીદ અનાયત ઉલ્લાહ, જમ્મુના ડિવિઝનલ કમિશ્નર હેમંત શર્મા, જમ્મુના ડેપ્યુટી કમિશ્નર કુમાર રાજીવ રંજન, એસએસપી વિવેક ગુપ્તા અને નગરોટા પોલીસ સ્ટેશનના અધિકારી વિરૂદ્ધ કોર્ટના આદેશ ન માનવાની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

નગરોટા હથિયાર ડેપો નજીક આ જમીન પર ભાજપના નેતા નિર્મલ સિંહ દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેથી આ વિશે આર્મીના 16 કોરનાં કોર કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ સરનજીત સિંહે 18 માર્ચે પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો હતો.    

આ પત્રમાં લેફ્ટિનેન્ટએ કહ્યું હતું કે નિર્મળ સિંહ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી હથિયારના ડેપો સહિત તેમના મકાનમાં રહેનારા લોકોની સુરક્ષાને પણ જોખમ છે. આર્મીએ વર્ક્સ ઑફ ડિસેન્સ એક્ટ 1993 અને 26 સપ્ટેમ્બર 2002નાં ભારત સરકાર તરફથી જાહેર એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો જે અનુસાર આર્મીના હથિયાર ડેપના 1 હજાર યાર્ડ (વાર) નજીક બાંધકામ કરવુ ગેરકાયદે છે. નિર્મલ સિંહનું નવુ બની રહેલ મકાન આર્મીના હથિયાર ડેપોના 580 યાર્ડમાં આવે છે. આર્મી દ્વારા આ અંગે લેખિતમાં જાણ કરવા છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ અધિકારીઓએ આ બાંધકામ બંધ ન કરાવ્યુ જેથી આર્મી દ્વારા સુરક્ષા મંત્રાલય અને હાઇકોર્ટ સુધી આ મામલો પહોંચાડવામાં આવ્યો.

આ મામલો ચર્ચામાં આવતા નિર્મલ સિંહે સમગ્ર વિરોધ રાજકારણથી પ્રેરિત ગણાવ્યો તથા કહ્યું કે ડેપોની નજીક એક ગામ પણ છે અને ત્યા આર્મીએ દીવાલ બનાવી દીધી છે. અમારુ મકાન અમારી જગ્યામાં બની રહ્યું છે. અમારી જગ્યા પર મારો અધિકાર છે અને હું ઇચ્છુ તેઓ તેનો ઉપયોગ કરી શકુ. આર્મી સ્થાનિક લોકોને પરેશાન કરી રહી છે.

આ અંગે ભાજપના પ્રવક્તા સુનીલ શેઠીએ કહ્યું હતું કે આ મામલે ભાજપની છબી ખરડાઇ શકે છે. ભાજપ તેના નેતાઓના અંગત મામલાઓમાં દખલ નથી આપતું. આ મામલો પણ નિર્મલ સિંહનો અંગત છે અને તેમણે જ તેનો ઉકેલ લાવવો જોઈએ. સમગ્ર ઘટના અંગે અમે ભાજપ હાઇકમાન્ડને જાણ કરીશું.

આ સમગ્ર વિવાદ દરમિયાન એવા પણ અહેવાલ આવ્યા છે કે ભાજપના નેતાઓની હિમગીરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ નામની કંપની પર જમ્મૂ કાશ્મીર બેંકની 29.31 કરોડ રૂપિયા લોન બાકી છે અને ગત ડિસેમ્બર મહિનામાં આ કંપના ખાતાને બેંક દ્વારા એનપીએ જાહેર કરવામાં આવ્યું છે.   

આ અહેવાલ ન્યૂઝ વેબસાઇટ thewirehindi માંથી સાભાર લેવામાં આવ્યો છે.