મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદન સંદર્ભે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરતાં કેન્દ્ર સરકારે જે ટેકાના ભાવો નક્કી કર્યા હતા તે ઉપરાંત રાજ્ય સરકારે વધારાનું બોનસ આપીને મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે. પરંતુ ખરીદી વ્યવસ્થાપન તંત્રમાં નાફેડ પોતાની જવાબદારી ચૂક્યું હોવાનો નાફેડના અધ્યક્ષને રાજ્યના કૃષિમંત્રીએ પત્ર પાઠવ્યો છે. રાજય સરકાર ગેરરીતિ કરનાર કોઇને પણ છોડવા માંગતી નહિ હોવાથી હજુ નાફેડ ફરીયાદ કરશે તો તે અંગે કાર્યવાહી કરાવવાશે.

કૃષિમંત્રી આર.સી.ફળદુ  દ્વારા પાઠવેલ પત્રમાં જણાવાયું છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળી શકતા ન હતા. આથી બજારમાં ઓછા ભાવ હોવા છતાં ખેડૂતોને ઉંચા ભાવ આપી ભારત સરકારે અબજો રૂપિયાનું નુકશાન ઉપાડી લીધુ છે. તેવી જ રીતે ગુજરાત રાજયમાં પણ મગફળી, અડદ, કપાસ, તુવેર, ચણા અને રાયડા જેવા પાકોનું ખેડૂતોને બજાર ભાવ કરતા ઉંચી કિમત આપી મોટા પ્રમાણમાં ખરીદી કરાવેલ છે. જેમાં નાફેડ સંસ્થા પાસે ૨ થી ૩ વર્ષ પહેલા કર્મચારીઓના પગાર કરવાના પૈસા ન હતા, તે સંસ્થાને દેશના ખેડૂતોના હિતમાં વડાપ્રધાને ૨૫૦૦૦ કરોડ જેવી માતબર રકમની ખરીદી કરાવી, નાફેડને જીંવત બનાવી દીધેલ છે. આ વર્ષે ગુજરાતમાં અંદાજે ૩૨ લાખ મે.ટન કરતા વધુ મગફળીનું ઉત્પાદન થયું જે દર વર્ષની સરેરાશ કરતા ઘણું વધારે હતું. તેના કારણે બજારમાં ખેડૂતોને મગફળીના પુરતા ભાવ  મળતા ન હતા,  તેથી ગુજરાત સરકારની વિનંતી અને માંગણી ધ્યાને રાખી ભારત સરકારે નાફેડ દ્વારા ગુજરાતમાં મગફળી ખરીદ કરવાની કામગીરી શરૂ કરાવી હતી. જેમાં આ સીઝનમાં રાજયમાંથી ૮ લાખ મે.ટન કરતાં વધુ મગફળીની ખરીદી રાજય સરકારના સહયોગથી કરવામાં આવેલ છે. જો રાજય સરકારે મદદ ન કરી હોત તો નાફેડ આના કરતા અડધી ખરીદી પણ ન કરી શક્યુ હોત.

નાફેડના ચેરમેન ગુજરાત અને સૌરાષ્ટ્રના હોવા છતાં પણ લગભગ ૮ મહિના કરતાં વધુ સમય સુધી મગફળી અને અન્ય જણસીઓની ખરીદી ચાલતી હતી ત્યારે નાફેડના ચેરમેન તરીકે કોઇપણ કામમાં કયાંય કોઇ ખોટુ થતુ હોય તો રાજય સરકારનું એકપણ વખત ધ્યાન દોર્યુ નથી. જયારે નાફેડના ખરીદી સેન્ટર પર મગફળીની ગુણવતા જોવા માટે નાફેડના પ્રતિનિધિ હાજર હોય છે તેની મંજુરી બાદ જ મંડળીઓ મગફળીની ખરીદી કરે છે. નાફેડના પ્રતિનિધિની હાજરીમાં વજન કરી નાફેડના બારદાનમાં જ તે મગફળી ભરીને સીલ કરવામાં આવે છે. આ મગફળી જે ગોડાઉન પર સ્ટોક માટે મોકલવાની હોય તે ગોડાઉન પર પણ ટ્રક ખાલી કરાવતી વખતે પણ પ્રતિનિધિ તેનું રેન્ડમ ચેકીંગ કરે છે અને તેમની સંમતિ બાદ જ આ મગફળી ગોડાઉનમાં ઉતારવામાં આવે છે. યોગ્ય ગુણવત્તા અને વજનવાળી મગફળી ગોડાઉનમાં આવી ગઇ છે એવો નાફેડ તરફથી દાખલો આપવામાં આવે છે અને આ દાખલો મળ્યા બાદજ તે મગફળીનું ચુકવણું મગફળી વેચનાર ખેડૂતોના ખાતામાં સીધે સીધુ ઓન લાઇન જમા કરાવવામાં આવે છે. આ કોઇ પ્રક્રિયામાં રાજય સરકાર કોઇ રીતે સંકળાયેલ નથી.
      
ખરેખર તો મગફળી ખરીદીની આખી પ્રક્રિયામાં કોઇ માર્ગદર્શન કે મદદ કેમ નથી કરી અને જવાબદારી / ફરજ ચુકયા છો તેનો ખુલાસો કરવો જોઇએ. કેટલીક મંડળીઓ પર ગેરરીતિ કરવાનો આક્ષેપ કર્યો છે તે મંડળીઓની કામગીરી અંગે પણ કદી કોઇ ફરીયાદ કરી નથી. ચેરમેન હોવા છતાં તથા નાફેડના કબજા હેઠળ મગફળી હોવા છતાં આપે કોઇ ગોડાઉનની જે તે વખતે મુલાકાત લીધી નથી, કોઇ ખોટું થયું હોય તેવી કોઇ ફરિયાદ કરેલ નથી. જો તમે ખેડૂતોના સાચા અને જવાબદાર પ્રતિનિધિ હોત તો નાફેડના ચેરમેન તરીકે તમારી જવાબદારી થતી હતી કે તમે તમારી માન્યતા પ્રમાણે જયાં પણ ખોટું થયું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી શકયા હોત. આમાનું કશું જ કર્યુ નથી અને હવે છેલ્લે રહી રહીને તમારી જવાબદારીમાંથી છટકવા માટે ખોટા નિવેદનો કરી રહ્યા છો.