મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે તેમના વસંત વગડા ખાતે પત્રકારોનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો અને તેમાં તેમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લખેલો પત્ર અને ખેડૂતોની આત્મહત્યા, EVM, MSP અને 2019માં ચૂંટણી વિશે પત્રકારોને સંબંધન કર્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની પ્રજાને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે, "આજે દિવસ છે જ્યારે પત્રકારોને બોલાવ્યા છે. આજે પ્રેસ કાઉન્સિલ ડે, પત્રકારોના અધિકારી અને નીડરતા માટેની સંસ્થાના દિવસની શુભકામનાઓ. મેં 25મી ઓક્ટોબરે એક પત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે એક પત્ર લખ્યો હતો જેના માટે તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ મ્યુઝિયમ બનાવીશું"

લોકસભા ચૂંટણી અંગે તેમણે જણાવ્યું કે,  "ગઈ કાલે ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો છે, ઓમ પ્રકાશજી ને. મેં લખ્યું છે કે જે EVM નો હેતુ મતદાન જલ્દી કરવાનો હતો પરંતુ ઘણી સમસ્યાઓ સામે આવી છે. EVMમાં ટેમ્પરિંગ થાય છે એટલે ડેવલપ દેશોએ છોડી દીધા. 

આવનાર ચૂંટણીમાં પેપર બેલેટ લગાવવામાં આવે તો પેપરટ્રેલ બધાં બુથ અને મશીન પર લગાવવામાં આવે જેથી મતદાર વેરીફાઈ કરી શકે અને મતદારને હાશ થાય કે એણે જ્યાં મત નાંખ્યો છે ત્યાં પડે. લોકસભાનો કોઈ પણ વિસ્તાર કે પાર્ટી રિકાઉન્ટ માંગે તો પેપરટ્રેલ ની ગણતરી કરવી જેથી લોકશાહી બચાવી શકાય.

ઇલેક્શન કમિશન ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને આશ્વાસન  આપે જેથી જરૂર લાગે એ જગ્યાએ પેપરટ્રેલ નું કાઉન્ટ કરી શકાય અને પારદર્શિતા માટે મેં માંગણી કરી છે."

ખેડૂતોના મુદ્દે તેમણે કહ્યું કે, "ગુજરાતમાં ખેડૂત મરી રહ્યા છે, ગુજરાતમાં આશરે 12 જેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે, હું સરકારને વિનંતી કરું છું કે MSP કરીને ખેડૂતને છેતરે નહીં. સરકાર જેવી કોઈ વસ્તુ નથી અને સમગ્ર તંત્ર ખતમ થઈ ગયું હોય એવું લાગે છે જેથી પહેલાંથી પરચેસિંગ સિસ્ટમ ડેવલપ કરે. હું ભારત અને ગુજરાત સરકારને ડેવલપ કરે અને દૂધમાં MSP મૂકે જેથી દૂધના વ્યવસાયમાં રોકાયેલા પરિવારે અને બહેનોને મદદ મળે."

2019ની લોકસભા ચૂંટણી વિશે તેમણે કહ્યું કે સરકાર સામે એટલે કે એન્ટી BJP ફોર્સ સામે હું હોઈશ જે BJP સામે હશે એટલે BJPને હરાવવાનો રોલ હશે મારો.