મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કચ્છમાં વસતાઓ વેપારીઓને વેપાર-ધંધો મુંબઈ સાથે જોડાયેલો છે, કચ્છીઓના અવરજવર અમદાવાદ કરતા મુંબઈ તરફ વધુ છે. છેલ્લાં એક દાયકાથી મુંબઈની કેટલીક ગેંગ નિયમિત કચ્છમાં આવે છે અને કચ્છના રાજકારણીઓ અને વેપારીઓને નિશાન બનાવી તેમની પાસે યુવતીઓ મોકલે છે. ત્યાર બાદ તેમના અને યુવતીઓના વીડિયો તૈયાર કરી તેમની પાસે કરોડો રૂપિયા ખેંખેરી રહી હોવાની હકિકત પોલીસને જાણવા મળી છે. જો કે આ મામલે હનીટ્રેપનો ભોગ બનનાર પણ આવી ગેંગને પૈસા આપી વાત પુરી કરે છે, પરંતુ પોલીસમાં ફરિયાદ આપવા તૈયાર થતા નથી.

કચ્છના નલીયામાં નોંધાયેલી સામુહિક ગેંગ રેપની ફરિયાદ પણ આ પ્રકારનો જ કિસ્સો હોવાનું એક પોલીસ અધિકારી જણાવ્યું હતું, કારણ નલીયામાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીની અવરજવર સતત મુંબઈ-ભુજ વચ્ચે હોવાનું ફલિત થયું છે. આ ઉપરાંત આ કેસના જે આરોપીઓ પણ છે તે પણ યુવતીના નામના બેન્ક એકાઉન્ટમાં પણ પૈસા મોકલતા હોવાની હકિકત બહાર આવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે આવી ગેંગ અતિ સામાન્ય ઘરની યુવતીઓનો ઉપયોગ પોતાની ગેંગમાં કરે છે, કચ્છના વેપારીઓ દ્વારા યુવતીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય પછી તે યુવતી મુંબઈથી નિકળતી હતી.

આ જ પ્રકારની એક ફરિયાદ ભાજપના નેતા જંયતિ ભાનુશાળીએ પણ અમદાવાદ પોલીસમાં નોંધાવી હતી. જેમાં મનિષાગીરી ગોસ્વામી નામની મહિલાએ જંયતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલનો વીડિયો બનાવી તેના દ્વારા દસ કરોડની માગણી કરાઈ હોવાની ફરિયાદ નોંધાતા અમદાવાદ પોલીસે મનિષાની ધરપકડ કરી છે. આમ કચ્છના અનેક નેતાઓ અને વેપારીઓ આ પ્રકારની હનીટ્રેપ કરતી ગેંગના શિકાર થયા છે, પણ હનીટ્રેપની ફરિયાદમાં પોતાની પણ બદનામી થતી હોવાને કારણે જાહેરમાં આવી કોઈ ફરિયાદ કરતું નથી. જો હનીટ્રેપમાં પૈસાની પતાવટ ના થાય તો બળાત્કારની ફરિયાદની ધમકી મળે છે અથવા બળાત્કારની ફરિયાદ નોંધાય છે.