મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં લોકોને અને બહારગામથી ખરીદી અર્થે આવતા લોકોને સુવિધા મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં 13 સ્થળે પે એન્ડ યુઝ શૌચાલયો બનાવાયા છે. જેમાંથી મોટાભાગના શૌચાલયો બંધ હાલતમાં છે. ત્યારે આ શૌચાલયો પાછળ છેલ્લા પાંચ વર્ષમાં રિપેરીંગ માટે 1 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાની વિગતો આરટીઆઇમાં બહાર આવી છે.

સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલિકા દ્વારા પે એન્ડ યૂઝ શોચાલય બનાવાયા છે. શહેરમાં 13 સ્થળે બનાવાયેલા જાહેર શૌચાલયોમાંથી મોટાભાગના બંધ હોવા છતાં સમયાંતરે તેમાં રિપેરીંગ અને રંગરોગાન કરવામાં આવતુ હોવાથી સિનિયર સિટીઝન વિશુભા ઝાલાએ માહિતી અધિકારના કાયદા હેઠળ પે એન્ડ યુઝ શૌચાલયોમાં રિપેરીંગ પાછળ થયેલા ખર્ચની છેલ્લા પાંચ વર્ષની વિગતો માગી હતી. જેમાં પાલિકા દ્વારા અપાયેલી વિગતોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પાલિકા દ્વારા વર્ષ 2014થી 2018 દરમિયાન અધધ કહી શકાય તેટલો રૂપિયા 1,11,11,490નો ખર્ચો કર્યો છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં લોકોને સુલભ શૌચાલયોનો લાભ તો મળતો નથી. મોટાભાગના શૌચાલયો પર અલીગઢી તાળા લટકાયેલા જોવા મળે છે. આ ઉપરાંત જે શૌચાલયો કાર્યરત છે તે બપોર પછી બંધ કરી દેવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે.

પે એન્ડ યુઝ શૌચાલયો પાછળ છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા એક કરોડથી વધુ રકમના કરાયેલા ખર્ચમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રાવ સાથે ઘનશ્યામભાઇ પરમાર, કે.એન.રાજદેવ સહિતનાઓએ ગાધીનગર ઉચ્ચકક્ષાએ લેખીત રજૂઆત પણ કરી છે. જેમાં પ્રજાના પૈસાનો પાલિકાએ ગેર ઉપયોગ કર્યો હોવાનું કહી વિજીલન્સ તપાસની માગણી પણ કરવામાં આવી છે. 
 

વર્ષ-ખર્ચની રકમ 

2014 – રૂ.24,80,901 

2015 – રૂ. 3,60,588 

2016 – રૂ. 46,41,801 

2017 – રૂ. 14,11,826 

2018  – રૂ. 22,16,374 

અલગ-અલગ સમયમાં શહેરમાં પે એન્ડ યુઝ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આથી તેના રિપેરીંગની જરૂર હોય અને ખર્ચ કર્યો હોય તેવુ બની શકે. છતાં આ માહિતી માંગીને વિગતો મેળવી હોય હું પાલીકામાં તપાસ કરીને સાચી વિગતો મેળવીશ ત્યારબાદ કાર્યવાહી કરીશુ તેમ નગરપાલિકાના પ્રમુખ વીપીન ટોળીયાએ જણાવ્યુ હતું.

માહિતી અધિકાર એક્ટ હેઠળ મંગાયેલી માહિતીમાં શહેરમાં 13 સ્થળે પે એન્ડ યુઝ બનાવાયા છે. આ શૌચાલયોમાંથી મોટાભાગના બંધ છે. શહેરના ટાગોર બાગ સામે, નગરપાલિકાની જૂની ઓફિસ પાસે અને બાલા હનુમાન મંદીર સામેના શૌચાલયોમાં તાળા જોવા મળ્યા હતા.