મેરાન્યૂઝ નેટવર્ક.ઈન્દોરઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ બચત ખાતામાં નિર્ધારિત માસિક રકમ નહીં રાખવા પર દંડની રકમ આંદાજીત 75 ટકા ઓછી કરી દીધી છે, તો બીજી તરફ માહિતી અધિકાર (આરટીઆઈ)થી ખુલાસો થયો છે કે, મિનિમમ જમા રકમ ન હોવાને કારણે બેન્કે અંદાજીત 41.16 લાખ ખાતા બંધ કરી દીધા છે. ગ્રાહકોમાં દંડ વસૂલીના નિયમને કારણે હાલના નાણાકીય વર્ષના શરૂઆતના 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમ્યાન સૌથી મોટા બેન્કે આ ખાતાઓને બંધ કર્યા છે.

મધ્યપ્રદેશના નીમચ નિવાસી સમાજીક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડએ કહ્યું કે તેમની આરટીઆઈ અરજી પર એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારીને તેમણે 28 ફેબ્રુઆરીએ મોકલેલા લેટરમાં આ માહિતી અપાઈ હતી. આ પત્રમાં કહેવાયું કે મિનિમમ જમા રકમ ઉપલબ્ધ ન હોવાને કારમે દંડ લેવાના પ્રાવધાનને પગલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2017-18માં 31 જાન્યુઆરી સુધી બંધ કરાયેલા બચત ખાતાઓની સંખ્યા લગભગ 41.16 લાખ છે.

મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર દંડ વસુલીના કારણે સ્ટેટબેન્કમાં ઘણી મોટી સંખ્યાઓમાં ખાતાઓના બંધ થવાની ચોંકાવનારી માહિતી મંગળવારે ત્યારે સામે આવી જ્યારે એસબીઆઈએ દંડની રકમને 1 એપ્રિલથી 75 ટકા સુધી ઘટાડી દેવાનો નિર્ણય કર્યો. જ્યારે દેશમાં ગરીબ વર્ગના લોકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડવા સરકારના મહત્વકાંક્ષી અભિયાન વચ્ચે ખાસ કરીને સાર્વજનીક ક્ષેત્રની બેન્કો દ્વારા આ મદમાં દંડ વસૂલવાને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી.

ગૌડએ કહ્યું, જો સ્ટેટ બેન્ક મિનિમમ બેલેન્સમાં દંડની રકમને ઘટાડવાનો નિર્ણય સમયસર લઈ લેતી તો તેને 41.16 લાખ સેવિંગ એકાઉન્ટસ ગુમાવવાનો વારો ન આવતો. સાથે જ ખાતાધારકોને પરેશાનીનો ભોગ ન બનવું પડતું જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોનો સમાવેશ થાય છે.