મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં રવિવારે સાંજે ગુમ થયેલ બાળકના પિતાએ પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ અપહૃત બાળકનો પત્તો મેળવી શકે તે પૂર્વે આજે ઘુનડા નજીકથી બાળકનો સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા અને બાળકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ માસા દ્વારા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શકદાર હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. ફરિયાદીનો પુત્ર હિતેશ ચાવડા મોરબીના વજેપરમાં તેના મામાના ઘરે રહેતો હોય અને ૧૧ વર્ષનો હિતેશ ધોરણ ૫ માં અભ્યાસ કરતો હતો. જે રવિવારે સાંજે વજેપર શેરી નં ૧૧ નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બાદ પરત ફર્યો ના હતો.

જેથી તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી. ફરિયાદને પગલે શકમંદ બાળકના માસા હાર્દિક ચાવડાને એ ડીવીઝન પોલીસ મથકે આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સજ્જનપર ઘુનડા રોડ પર તેણે બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત આપી હતી અને યુવક બાળકના સગો માસા થાય છે. યુવકની પત્નીના બાળકના પિતા સાથે આડા સબંધો હોવાની શંકાએ અને પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ લાગણી ધરાવતી હોવાથી સીમમાં બાળકને લઇ જઇ તેનું ગળું દબાવી હત્યા કરી લાશને સંપૂર્ણ સળગાવી નાખી હતી. સ્થળ પર તપાસ કરતા સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. જેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ડીવાયએસપી, એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધવા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.