મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં ફોરેસ્ટર ગાર્ડ રૂ.30 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયો હતો. ફોરેસ્ટર ગાર્ડએ વિડી વિસ્તારમાં નાસ્તો કરતા બે મિત્રો પર લાકડાની ચોરીનો આરોપ મૂકી આ અંગેનો કેસ નહીં કરવા આ લાંચ માંગી હતી અને આખરે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો  મુજબ મોરબીમાં રહેતા એક અરજદાર અને તેનો મિત્ર આશરે 25 દિવસ પહેલા મોરબી નજીક આવેલા કાલિકાનગરની વિડી વિસ્તાર પાસેના હનુંમાનજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને પરત આવતી વખતે વિડીમાં બેસીને નાસ્તો કરતા હતા. તે સમયે મોરબી ફોરેસ્ટર વિભાગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને મોરબીની અમૃતપાર્ક શેરીમાં રહેતા ડાંગર અરવિદભાઈ રામભાઈ ત્યાં આવીને વીડીમાં લાકડા જોવા આવ્યા છો, તેમ કહી ધમકાવી ગાળો આપી પોતાના મોબાઈલમાં અરજદાર અને તેના મિત્ર પાસે ગેરકાયદે કામ કરવા આવ્યા હોવાનું બોલાવીને તેનું રેકોર્ડીંગ કરી લાકડા ચોરીનો કેસ નહીં કરવા પ્રથમ રૂ.50 હજારની લાંચની માગણી કરી હતી.

જેમાં રકઝક થતા અંતે રૂ.30 હજારની આપવાનું નક્કી થયું હતું. બાદમાં અરજદાર યુવાને આ બાબતે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સુરેન્દ્રનગર એસીબીના પીઆઇ ઝેડ. જી. ચૌહાણ સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. આજે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ચામુંડા ચા વાળી શેરીમાં એસીબીએ છટકું ગોઠવીને રૂ.30 હજારની લાંચ લેવા આવેલ ફોરેસ્ટર ગાર્ડને રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર એસીબીએ તેની સામે લાંચ લેવા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.