મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબી તાલુકાના ૧૭ સહિતના ૨૦ ગામો ડેમી સિંચાઈ યોજના હેઠળ પાણીની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલનના આજે ત્રીજા દિવસે ખેડૂતોએ ખાલી જળાશયના મેદાનમાં ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો હતો. 

ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ ૨૦ ગામના ખેડૂતો ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ડેમી ૩ ડેમમાં પાણી આપવાની માંગ સાથે આંદોલનના માર્ગે વળ્યા છે અને ગુરુવારથી ધરણા શરુ કર્યા બાદ ગઈકાલે યજ્ઞ કરીને સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે પણ આંદોલન ચાલુ રહ્યું હતું જેમાં ડેમી ૩ જળાશય ખાલીખમ છે અને જળાશય નહિ પરંતુ આ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય તેમ જણાઈ આવે છે. જેથી ખેડૂતોએ આજે આ જળાશયના ખાલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો હતો તેમજ ખેડૂતોને પાણી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે અને દરરોજ વિવિધ નવતર પ્રયોગ દ્વારા સરકાર સામે આંદોલન ચાલુ રાખવાનો હુંકાર ખેડૂતોએ કર્યો હતો.