મેરાન્યૂઝ નેટવર્ક, મોરબીઃ માળીયાના કુંતાસી ગામની સીમમાંથી આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો અને માળિયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ ચલાવી છે.

        માળિયા તાલુકાના કુંતાસી ગામની સીમમાં આજે સવારે કોળી યુવાનનો મૃતદેહ વાડામાં પડ્યો હોય જેની માહિતી મળતા ગ્રામજનો અને માળિયા પોલીસ દોડી ગઈ હતી. મૃતક ૨૫ વર્ષનો કોળી યુવાન કુંતાસી ગામનો જ રહેવાસી ભરત કોળી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે તેમજ યુવાન ડ્રાઈવિંગના વ્યવસાય સાથે જોડાયેલો હોય અને તેના કુટુંબમાં ગઈકાલે પ્રસંગ હોવાથી રાત્રીના ૨ વાગ્યા સુધી રાસ ગરબા ચાલ્યા હતા જોકે બાદમાં યુવાન સીમમાં કેવી રીતે પહોંચ્યો હતો અને કોણે તેની હત્યા કરી તે જાણવા પોલીસે તપાસ ચલાવી છે. મૃતક યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યાના નિશાન મળી આવ્યા હતા જેથી હત્યાની પ્રબળ આશંકા સાથે પોલીસે એ દિશામાં તપાસ ચલાવી છે. આ બનાવ અંગે તપાસ ચલાવતા માળિયા પોલીસના રમેશભાઈએ જણાવ્યું હતું કે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા છે જેથી હત્યાની આશકાને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.