મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના જેતપર પાવડીયારી નજીક આવેલ ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીમાં ગઈકાલે રાત્રે પૈસા બાબતે ફેક્ટરી માલિક અને કોન્ટ્રાકટર વચ્ચે મારામારી થઈ હતી. મજુરોએ ફેક્ટરી માલિકને ઘેરી વળી હુમલો કરતા ફેક્ટરી માલિકે પોતાની રિવોલ્વરથી સ્વબચાવમાં પ્રથમ ૩ રાઉન્ડ હવામાં તો ૩ રાઉન્ડ જમીનમાં ફાયરિંગ કર્યું હતું.જેમાં એક મજુરના પગના ભાગે ગોળી વાગી હતી જયારે અન્ય મજુરને માથના ભાગે ધોકો વાગતા ઈજા પહોચી હતી તો સામે  ફેક્ટરી માલિકને પણ ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડાયા છે.

મોરબીનાં જેતપર પાવડીયારી નજીક આવેલ ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા હેમંત મિશ્રાએ અને ફેક્ટરી માલિક મહેન્દ્ર પટેલ સાથે મજુરીના પૈસા બાબતે માથાકૂટ થતા લેબર કોન્ટ્રાકટરે કિલન બંધ કરી દેતા મહેન્દ્ર પટેલે કીધું કે મારે તમને કામ આપવું નથી તમે મારી ફેકટરીમાંથી બહાર નીકળી જાવ અને સવારે આવીને તમે તમારો હિસાબ લઇ જજો અને રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ધોકા, પાઈપ અને પથ્થરો સાથે ૨૦ થી ૨૫ લોકો અને  કોન્ટ્રકટર ફેકટરીમાં ઘૂસીને તોડફોડ કરી અને પથ્થર મારો કર્યો.

ફેકટરી માલિકે બચાવમાં ૩ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને ત્રણ રાઉન્ડ જમીનમાં ફાયરિંગ કરતા બે મજુરને ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે ફેક્ટરી માલિક મહેન્દ્ર પટેલને મોઢાના ભાગમાં ધોકો વાગી જતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે અને બંને પક્ષે સામ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં  ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીના માલિક મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં રાજુભાઇ જયરામભાઈ ઉ.૩૦, રે.શોભેશ્વર રોડ અને મનીષ રમેશભાઈ ઉ.૩૨, રે.લાભનગર વાળાને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં તાલુકા પીએસઆઇ એન.જે.રાણા, મોરબી એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને આ ગંભીર ઘટના અંગે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ મેળવી ગુન્હો દાખલ કરી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. સામે પક્ષે લેબર કોન્ટ્રાકટર હેમત મિશ્રા, મનીષ સાહી, રાજકુમાર પંડિત, કમલેશ કુમાર રાજપૂત, અભિષેક વિજય રાકેશકુમાર, કેતન કુમાર અને અન્ય ૫ જેટલા શખ્સે ધોકા અને અન્ય હથીયાર સાથે હુમલો કરી સિક્યુરીટી કેબીનમાં તોડફોડ કરી હતી. તેમજ ઉધોગકાર  મહેન્દ્રભાઈ  પટેલ પર હુમ્લો કરી ઈજા પહોચાડી હોવાની  સામે ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.