મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશને ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાતને માત્ર એક કલાક જેટલા સમયમાં જ ઉદ્યોગપતિઓએ રૂ. ૩૫ લાખ જેટલો ફાળો એકત્ર થઈ ગયો છે.

પુલવામામાં ગઈકાલે સીઆરપીએફના જવાનો પર થયૅલ આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી.

ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર એક કલાક જેટલા સમયમાં રૂ. ૩૫ લાખ જેટલો રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂ. ૫૦ લાખને પાર જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.