મેરાન્યૂઝ નેટવર્ક,મોરબીઃ મોરબી જિલ્લાના નાના ભેલા ગામમાં શૌચાલયના લાભાર્થીઓને નાણાં ચૂકવતા ન હોવાની ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી છે જેમાં નાનાભેલા ગામે ત્રણ–ત્રણ મહિનાથી શૌચાલયના નાણાં ન ચુકવનાર સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા તે અંગે ખાર રાખી યુવાન પર હિચકારી હુમલો કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લાના નાનાભેલા ગામના દિલીપ રામજીભાઈ ચાવડા (ઉ. ૨૬) નામના યુવાને પોતાના ઘેર શૌચાલય બનાવ્યા બાદ સહાયના રૂપિયા ૧૨ હજાર ચુકવવામાં પંચાયત દ્વારા ત્રણ – ત્રણ મહિના ધક્કા ખવડાવતા આ યુવાને ટીડીઓને ફરિયાદ કરી હતી. જે અંગે ખાર રાખી સરપંચ કાકા લાલજી અરજણ ચાવડા,પિતરાઈ જયેશ લાલજી ચાવડા તથા કાકી રેખા લાલજી ચાવડાએ યુવાન ઉપર લોખંડની પાઈપ તથા ગડદા પાટું વડે માર મારતા ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી બાદમાં રાજકોટ ખસેડાયો છે.

આ મામલે ટીડીઓ દિલીપ ચાવડા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં અન્ય ટીડીઓ હોવાથી જે લાભાર્થીઓ ગ્રાન્ટથી વંચિત રહી ગયા છે તેની વધુ તપાસ કરવાનું જણાવ્યું હતું.