મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ વિમાન અને દરિયા સહિત દેશ-વિદેશમાં કથા કરી ચુક્યા છે ત્યારે મોરારી બાપુએ પોતાની આગામી રામ કથા સાંભળવા માટે મુંબઇની સેક્સ વર્કર્સને આમંત્રણ આપ્યું છે અને તે પણ રૂબરુ જઇને.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવાર રાત્રે મોરારી બાપુ મુંબઇના રેડ લાઇટ એરિયા ગણાતા કમાટીપુરા વિસ્તારમાં ગયા હતા અને ત્યા કેટલીક સેક્સ વર્કર્સ સાથે મુલાકાત કરી હતી તથા તેમના ઘરે પણ ગયા હતા. મોરારી બાપુએ લગભગ 60 સેક્સ વર્કર્સ સાથે મુલાકાત કરી હતી અને તેમને આગામી રાકથા જે અયોધ્યામાં 22 ડિસેમ્બરથી શરુ થઇ રહી છે તે સાંભળવા આવવા માટે આમંત્રણ આપ્યું છે. આ રામકથામાં મોરારી બાપુ તુલસીરામની માનસ ગણિકાનું વાચન કરવાના છે, જે તુલસીદાસની એક ગણિકા સાથેની વાતચીત પર આધારિત છે.

મોરારી બાપુએ આ સેક્સ વર્કર્સને અયોધ્યામાં રામકથા સાંભળવા આવવા જવાની વ્યવસ્થા તથા તેમને ત્યા રહેવાની પણ વ્યવસ્થા કરી આપી છે. અયોધ્યા ખાતે આગામી 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2018 સુધી રામકથા યોજાવાની છે.

મુંબઇના કમાટિપુરા પહોંચેલા મુરારી બાપુએ સેક્સ વર્કર્સની સમસ્યાઓ પણ સાંભળી હતી. મોરારી બાપુને જોવા અને વાત કરવા માટે મોટી સંખ્યામાં ત્યા લોકો ઉમટ્યા હતા. મોરારી બાપુએ ત્યા લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે , ગણિકા વાસંતીએ તુલસીદાસને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા અને તુલસીદાસે તેના ઘરે જઇને રામકથા સંભળાવી હતી.