મેરાન્યૂઝ નેટવર્ક, વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાનના આંગણે તા-૧૬-૦૫-૨૦૧૮ થી ૧૩-૦૬-૨૦૧૮ સુધી અધિક જેઠમાસમાં જનમંગલ મહાયાગનુ આયોજન કરવામાં આવ્યું  હતું . તા-૧૬-૦૫-૧૮ના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે શરૂ થયેલ આ મહાયાગની ગઇકાલે  કોઠારી ડો સંત સ્વામી , .નૌતમ સ્વામી,  ગોવિંદ સ્વામી મેતપુરવાળા,  ઘનશ્યામસ્વામી સારંગપુરવાળા, પાર્ષદ ભાસ્કર ભગત તથા લાલજી ભગત વિગેરે વિરષ્ઠ સંતો મહંતોના હસ્તે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

જ્યા ભગવાન સ્વામિનારાયણે સ્વયં યજ્ઞમાં આહૂતિઓ આપી છે એ પ્રસાદીની દિવ્યભુમિમાં ૩૦ દિવસ સુધી પ્રતિદિન અલગ અલગ યજમાનો યજ્ઞમાં બેઠા હતા. ૪૨ થી ૪૬ ડિગ્રી તાપમાનની વચ્ચે ભુદેવ અને યજમાનોના સ્વાસ્થ્યને લક્ષમાં રાખી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. યજ્ઞના આચાર્ય વડતાલ  મંદિરના પુરોહિત ધીરેનભાઈ શુક્લના નેતૃત્વમાં ૧૨ ભુદેવો સવારના ૭-૩૦ થી ૧૨-૩૦ અને બપોરના ૧-૩૦થી સાંજે ૭-૩૦ સુધી વિધિવત્ હોમ કરીને જનમંગલ સ્તોત્રના મંત્ર દ્વારા આહુતિઓ આપતા હતા. આ માસિકયજ્ઞમાં  શ્યામ સ્વામી, નિકિત પટેલ તથા સાંખ્યયોગી દુધિબાની દેખરેખ પ્રમાણે અખંડ સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

યજ્ઞ દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે, આજ્ઞા -ઊપાસનાનુ બળ પ્રાપ્ત થાય છે. પર્યાવરણ સાત્વિક બને છે એમ આસિસ્ટન્ટ કોઠારી ડૉ. સંત સ્વામીએ જણાવ્યું હતું. યજ્ઞના અંતે શાસ્ત્રવિધિ અનુસાર ગોમતિજીમા અવભૃથ સ્નાન કરવામાં આવ્યું હતું તથા યજમાનો દ્વારા ભુદેવોનુ પૂજન કરવામાં આવ્યું હતું.