મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ઝંઝાવાતી પ્રચાર અને તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થયા. જેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, કોંગ્રેસ બીજા અને જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં છે. વડાપ્રધાન મોદી, અમિત શાહની સાથે વધુ એક ગુજરાતી એવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા રહેલા વજુભાઇ વાળાને દક્ષિણ ભારતમાં ભાજપને પ્રવેશ અપાવવાના હેતુથી કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે જેથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ સુધી આ રાજ્યના આંતરિક રાજકારણની રજેરજની માહિતી મળતી રહે અને પોતાનો અંકુશ પણ રહે. વજુભાઇ વાળાને જે હેતુથી કર્ણાટકમાં મુકવામાં આવ્યા હતા તેનો સમય પાકી ગયો છે અને હવે વજુભાઇ તરફથી તેનુ વળતર ચુકાવવાનો સમય આવી ગયો છે. ચૂંટણી પરિણામો અનુસાર ભાજપ એકલુ સરકાર બનાવી શકે તેમ નથી. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરતા નજર આવી રહ્યાં છે. તેથી વજુભાઇ વાળાએ સાવચેતીના પગલા રૂપે જાહેરાત કરી દીધી છે અંતિમ પરિણામો જ્યા સુધી બહાર ન આવી જાય ત્યા સુધી કોઈને પણ સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં નહીં આવે. આમ ભાજપને છેલ્લી ઘડીના તડજોડ માટે થોડો સમય મળી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે વજુભાઇ વાળાએ પોતાની રાજકોટની વિધાનસભા બેઠક ખાલી કરી આપી હતી.

કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠક છે જેમાંથી 222 બેઠક પર ચૂંટણી યોજાઇ છે. કર્ણાટકમાં બહુમતિ માટે 113 બેઠક જરૂરી છે. શરુઆતી પરિણામોમાં ભાજપને બહુમતિ મળતી નજર આવી રહી હતી જો કે ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપને 106, કોંગ્રેસને 77, જેડીએસને 37 અને અન્ય પક્ષને 2 બેઠક મળી રહી છે.  આમ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે જેડીએસ કિંગ મેકરની ભૂમિકા નજર આવી રહ્યું છે. જેની તરફ જેડીએસ ઢળશે તેની સરકાર બનશે.

મીડિયા રિપોર્ટ અનુસાર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જેડીએસના પ્રમુખ એચ.ડી. દેવગૌડા સાથે વાતચીત કરી છે અને કોંગ્રેસ એચ.ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ વ્યક્ત કરી છે. બીજી તરફ ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓ પણ જેડીએસના નેતાઓને મળવા માટે પહોંચી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે યેદીયુરપ્પા છે જ્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સિદ્ધારમૈયા છે. જ્યારે જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી કુમારસ્વામી છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શહીદોના અપમાન, પરિવારવાદ સહિતના આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને સારુ ભાષણ આપતા અભિનેતા ગણાવ્યા હતા તથા રોજગારી આપવામાં નિષ્ફળ ગયા હોવાના ભાષણ કર્યા હતા.