મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાને પાયલોટ પ્રોજેકટ તરીકે જાહેર કરી 59 મિનિટમાં 1 કરોડની લોન આપવાની યોજના જાહેર કરી હતી. પરંતુ આ યોજના માત્ર કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું છે. જાહેરાતને 15 દિવસ થયા છતાં બેંકોએ એકપણ ઉમેદવારની લોન મંજૂર કરી નથી. જેને લઈને વડાપ્રધાનની આ યોજનાની સફળતા સામે અનેક સવાલો ઊભા થયા છે.

રાજકોટ જિલ્લાના ફાઉન્ડ્રી અને ગીર સોમનાથના ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગનો વ્યાપ વધારવા ઉદ્યોગ સાહસિકોને રૂપિયા એક કરડોની લોન માત્ર 59 મિનિટમાં આપવાની જાહેરાત વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 2 નવેમ્બરના વીડિયો કોન્ફરન્સ મારફતે દેશના 100 જિલ્લાઓની બેંકો, નાણા વિભાગ, આયાત નિકાસ વિભાગ, જૂદા જૂદા ઔદ્યોગિક સંગઠનો સહિતના તમામ વિભાગોને આ માટેની તાકીદ પણ કરી હતી. જેને પગલે ઘણાં ઉદ્યોગ સાહસિકોએ આ માટે ઓનલાઈન અરજી કરી છે. પરંતુ આજ સુધી કોઈ ઉમેદવારની લોન મંજૂર કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.