મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: નોટબંધીને બે વર્ષ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે તેની અસરથી હજુ પણ લોકો બહાર નથી આવી શક્યા અને નોટબંધીથી થયેલી હેરાનગતિનો આજે પણ ભોગ બની રહ્યાનો કિસ્સો અમદાવાદના એક નિવૃત્ત બેંક મેનેજરનો સામે આવ્યો છે. જેમણે વિદેશ હોવાથી 31 ડિસેમ્બર બાદ મુંબઇની આરબીઆઇની શાખા જઇને 13 હજાર રૂપિયા જમા કરાવ્યા પરંતુ તેના બદલે નવી નોટ લેવામાં બે વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો.

meranews.com સાથે ટેલિફોનિક વાતચીતમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પુના ખાતે આઇટી કંપનીમાં નોકરી કરતા પરાગ પટેલે પોતાની આપવીતિમાં કહ્યું હતું કે, મારા પિતા અશોકભાઇ પટેલ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં એનપીએ શાખામાં મેનેજર પદેથી નિવૃત થયેલ અધિકારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ રૂપિયા 500 અને 1000ની નોટ રદ કરવામાં આવી ત્યારે મારા પિતા અશોકભાઇ ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે વિઝિટર વિઝા પર ગયા હતા. આરબીઆઇના નિયમ પ્રમાણે 31 ડિસેમ્બર 2016 સુધીમાં બેંકની શાખાઓમાં જૂની ચલણી નોટો જમા કરાવવાની હતી અને જે એનઆરઆઇ હોય અથવા વિદેશ ગયા હોય તેઓ 31 ડિસેમ્બર બાદ પણ 31 માર્ચ 2017 સુધી આરબીઆઇની શાખામાં રદ કરાયેલ રૂપિયા જમા કરાવી શકે છે. મારા પિતા 9 જુલાઇ 2016ના રોજ અમદાવાદથી ઓસ્ટ્રેલિયાના સિડની ગયા હતા અને 31 ડિસેમ્બર 2017 બાદ એટલે કે 5 ફેબ્રુઆરી 2017ના રોજ અમદવાદ પરત આવ્યા હતા અને આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર 23 માર્ચ 2017ના રોજ મુંબઇ ખાતે આરબીઆઇની શાખામાં 13 હજાર રૂપિયા જમા કરાવવા પહોંચ્યા હતા. જ્યાં ત્રણ કલાક સુધી મારા પિતા અશોકભાઇના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી હતી અને ત્યાર બાદ 13 હજાર રૂપિયા જમા લીધા હતા અને ત્યા તેમને મૌખિક કહેવામાં આવ્યું કે આગામી એક અઠવાડિયામાં તમારા બેંક એકાઉન્ટમાં NEFT દ્વારા જમા થઇ જશે.  

પરાગ પટેલે જણાવ્યુ કે, એક સપ્તાહ બાદ પણ મારા પિતાના બેંક ખાતામાં 13 હજાર રૂપિયા જેટલી નાની રકમ જમા થઇ ન હતી. અમે છ મહિના સુધી રાહ જોઈ કે રકમ જમા જઇ જશે. પરંતુ ત્યાર બાદ પણ રકમ જમા ન થતાં આ અંગેની સ્થિતિ જાણવા આરટીઆઇ કરવામાં આવી તો આશ્ચર્યજનક રીતે મારા પિતા એનઆરઆઇ છે માટે તેમને આ કાયદા હેઠળ જવાબ ન આપી શકાય તેમ જણાવાયું. પરંતુ હકીકતમાં મારા પિતા એનઆરઆઇ નહીં પણ ભારતીય નાગરિક છે અને માત્ર વિઝિટર વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાર બાદ 13 હજાર રૂપિયા અમારા એકાઉન્ટમાં જમા કરાવવા માટે આરબીઆઇ, નાણા મંત્રાલય અને ભારતના રાષ્ટ્રપતિને ઇમેલ કર્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ કોઈપણ જવાબ ન આવતા અમે આ ઇમેલના રિમાઇન્ડર શરુ કર્યા હતા. અમે અઠવાડિયો કે પંદર દિવસે આ ઇમેલનું રિમાન્ડર કરતા અને કુલ 92 રિમાઇન્ડર કર્યા હતા. જ્યાર બાદ અચાનક પોણા બે વર્ષે ગત 11 ઓક્ટોબર 2018ના રોજ મારા પિતાના બેંક ખાતામાં આરબીઆઇ દ્વારા 13 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા. લાંબી લડત બાદ અમને અમારા રૂપિયા પરત મળ્યા પરંતુ અમારી લડત હજુ જારી છે અને અમારા રૂપિયા આટલો સમય રાખવા પર તેનું બેંક વ્યાજ પણ અમને ચુકવવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે. આ સિવાય અમારે જે હેરાનગતિ સહન કરવી પડી તે તો જુદી જ બાબત છે. અમારા જેવા લોકોને જો નોટબંધીના કારણે આટલી બધી સમસ્યા નડી છે તો અન્ય લોકોને કેટલી બધી મુશ્કેલીઓ પડી હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરાગ પટેલે પોતાની પીડા વ્યક્ત કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને તેમા ત્યા સુધી કહ્યું છે કે નરેન્દ્ર મોદી તમે હિમાલય ચાલ્યા જાવ. આ યુવકનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.