મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: હવે કેન્દ્રની ભાજપ સરકાર તમારા ટીવીના સેટ ટોપ બોક્સમાં નવી ચીપ લગાવ્યા બાદ બધા ગ્રાહકોના ડેટા હાંસલ કરશે કે તમે ટીવીમાં શું અને કઇ ચેનલ જુઓ છો. આ ચીપ લગાવવા માટે તમારી મંજૂરી પણ નહીં લેવાય. આ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે મોદી સરકાર જાસૂસી કરતી સરકાર બની ગઇ છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય નવા ટીવી સેટ ટૉપ બોક્સમાં એક ચીપ લગાવવાની તૈયારી કરી રહ્યું છે જેથી એ જાણી શકાય કે દર્શક કઇ ચેનલ સૌથી વધુ અને કેટલા સમય સુધી જુએ છે. મંત્રાલયે ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ કે આ ચીપ લગાવવાનો ઉદ્દેશ ચેનલોની વ્યુઅરશિપના વિશ્વસનીય આંકડાઓ મેળવવાનો છે. તેનાથી જાહેરાત આપનારા અને જાહેરાત તથા દ્રશ્ય પ્રચાર નિર્દેશાલય (ડીએવીપી) પોતાની જાહેરાતો પર સમજી-વિચારીને ખર્ચ કરે. ચેનલોને તેમની વ્યુઅરશીપ પ્રમાણે જાહેરાત આપીશુ. જેથી જે ચેનલની વ્યુઅરશીપ વધુ હશે તેને વધુ જાહેરાત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીએવીપી જુદાજુદા મંત્રાલયો અને તેની સાથે જોડાયેલા સંગઠનોની જાહેરાત માટે સરકારની નોડલ એજન્સી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેટ ટોપ બોક્સમાં નવી ચીપ લગાવ્યા બાદ બધા ગ્રાહકોના ડેટા સરકાર હાંસલ કરી શકશે પરંતુ તેના માટે ગ્રાહકોની કોઈ મંજૂરી લેવામાં નહીં આવે. અત્યાર સુધી ચીપથી આવો ડેટા લેવામાં આવતો ન હતો પરંતુ મોદી સરકાર હવે ગ્રાહકોનો આવો ડેટા હાંસલ કરશે. બાર્ક તરફથી 22 હજાર ઘરોમાં મીટર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા ટીઆરપીના આંકડાઓ એકત્ર કરવામાં આવે છે. નવી ચીપ લગાવ્યા બાદ આ મીટરોની જરૂર નહીં પડે. પહેલા ટીઆરપી માપવાના મીટર ગ્રાહકોની મંજૂરીથી લગાવવામાં આવતા હતા પરંતુ નવી ચીપ લગાવવા માટે ગ્રાહકોની કોઈ મંજૂરી નહીં લેવાય. મંત્રાયલયે ટ્રાઇને કહ્યું છે કે ડીટુએચ ઓપરેટરોને નવા સેટ ટોપ બોક્સમાં ચીપ લગાવવા માટે કહેવામાં આવે. આ પ્રસ્તાવ નવા ડાયરેક્ટર ટુ હોમ લાયસન્સ સાથે જોડાયેલા ઘણા મુદાઓ પર ટ્રાઇ તરફથી કરવામાં આવેલી ભલામણો પર મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબનો હિસ્સો છે. સરકારી અધિકારીઓનું કહેવુ છે કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (બાર્ક)નો એકાધિકાર સમાપ્ત કરવામાં આવે કારણ કે તેમને શંકા છે કે બાર્ક દુરદર્શનની વ્યુઅરશીપને ઘટાડીને દર્શાવે છે.

આ મામલે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે ઇચ્છે છે કે તમે તમારા  બેડરૂમમાં ટીવી પર ક્યો પ્રોગ્રામ કરો છો તે તેમને જાણવુ છે. મોદી સરકારે લોકોની અંગતતાના અધિકારને નષ્ટ કરી નાખ્યો છે.