મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નજીક સબલપુર ગામમાં રહેતો અતુલ નામનો યુવક રવિવારે સાંજે મિત્રો સાથે નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. અતુલ નામના યુવકની લાશ પાલનપુર ગામના તળાવમાંથી મળી આવતા પરિવારજનો અને મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પરિવારજનોએ યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયો હોવાનો આક્ષેપ કરતા ચકસાર મચી હતી.

મોડાસા નજીક આવેલા સબલપુર ગામનો અતુલસિંહ ટિનુસિંહ મકવાણા (ઉં. વર્ષ આશરે-૨૦) રવિવારે સાંજના ઘરેથી ક્રિકેટ રમવા ગયા બાદ મોડી રાત્રી સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો સહીત ગામલોકોએ શોધખોળ હાથધરી હતી. બીજા દિવસે પણ સગા-સબંધી અને સંભવિત તમામ સ્થળોએ તપાસ હાથધરી હતી. ત્યારે મંગળવારે સવારના સુમારે પાલનપુર ગામના તળાવમાં એક યુવકનો મૃતદેહ હોવાની માહિતી મળતા પરિવારજનો પાલનપુર તળાવ પાસે પહોંચ્યા હતા.

જ્યાં લાશ તેમના વ્હાલા દિકરાની નીકળતા પરિવારજનોએ આક્રંદ કરી મુક્યું હતું. યુવકના સગા-સબંધીઓ ના ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતક યુવકની લાશ મળી આવતા મોડાસા રૂરલ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પાલનપુર તળાવમાંથી યુવકની લાશ મળી આવતા હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘૂંટાયું હતું.

મૃતક યુવક અતુલસીંહના સબંધીના જણાવ્યા અનુસાર યુવકના પીઠના પાછળના ભાગે ઘા ના નિશાન હોવાનું અને યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.