મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી ચાર રસ્તા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં કર્મચારીઓની દાદાગીરી અને ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તણૂંક કરતા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે ત્યારે બેંકમાં ગ્રાહકે જમા કરાવેલો પી.એફનો ચેક અન્ય ખાતામાં અગમ્ય કારણોસર જમા કરી દેવતા વારંવાર બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા ગ્રાહકે મીડિયાનો સહારો લેતા મીડિયાના કર્મચારીઓ કવરેજ માટે બેંકમાં ગયા ત્યાં બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયા સાથે પણ ધક્કામુક્કી કરતા કેમેરો છીનવવાનો પ્રયત્ન કર્યો જે જોઈને મીડિયા કર્મીઓ સમસમી ઉઠ્યા હતા. કારણ કે સવાલ એ છે કે આ સ્ટાફ ગ્રાહકો સાથે કેવી વર્તણુંક કરતો હશે તેની સ્થિતિનું અનુમાન લગાવી શકાય તેમ હતું.

મોડાસા ખાતેની ચાર રસ્તા ખાતેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકે એક લાખનો પીએફનો ચેક 24 ડિસેમ્બરના રોજ બેંકમાં ચેક જમા કરાવ્યો હતો, પણ દસ દિવસની આસપાસનો સમય વીતિ જવા છતાં પણ ચેક ક્લીયર નહોતો થયો જોકે બેંકની બેદરકારીથી ચેક બીજા જ ખાતેદારના ખાતામાં જમા થઈ ગયો બાદમાં વારંવારની રજૂઆતોનો દોર શરૂ થયો. માણસ પોતાના જ નાણાં માટે કગરી ઉઠે તેવી સ્થિતિ નિર્માણ કરી દેવાઈ. ગ્રાહકોએ આખરે મીડિયાનો સહારો લીધો હતો. ગ્રાહકની સમસ્યાના તાગ મેળવવા અને વાચા આપવામાં માટે મીડિયાની ટીમ બેંકમાં પહોંચતા બેંકની બેદરકારી છુપાવવા કોઈ અધિકારી કે કર્મચારીના ઈશારે બેંકના સિક્યુરિટી ગાર્ડે મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરી મીડિયા કર્મીઓને કવરેજ કરતા અટકાવ્યા હતા. મીડિયા કર્મીઓ બેંકમાં પહોંચતા અન્ય ખાતેદારોએ પણ બેંકની ધીમી કામગીરીની ફરિયાદ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. કર્મચારીઓ અને અધિકારીઓની પોલ બહાર ન પડે તેમાટે સિક્યુરિટી ગાર્ડે હવાતિયાં મારતા કેમેરો પણ ખુંચવાવાનો પ્રયત્ન કરતા પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી હાથધરી હતી.