મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ નોટબંધીને અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયો તેમ છતાં અરવલ્લી જીલ્લામાં રોકડ નાણાંનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. હજુ પણ બેંકોના એટીએમમાં નાણાં ખૂટી જવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે, મોડાસા શહેરના મોટા ભાગની બેંકના એટીએમમાં નાણાં ખૂટી પડતા ગ્રાહકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. ધોમધખતા તાપમાં ગ્રાહકો એક બેંકના એટીએમમાંથી બીજી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા પરસેવો પાડવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગ્રાહકની સમાન્ય અમથી બાબતોમાં પણ ચાર્જીસના નામે બેન્કો મોટો નફો રડી લે છે ત્યારે ગ્રાહકની સેવાઓમાં ગ્રાહકને હંમેશા બીચારા થઈને જ રહેવાનો વારો હવે આવી ગયો છે. મોડાસા શહેર જીલ્લાનું મુખ્યમથક હોવાથી તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના એટીએમ ઠેર ઠેર ઉભા કરવામાં આવ્યા છે એટીએમ મશીનોમાં ગમે ત્યારે અને ગમે તે ઘડીએ રૂપિયા ખૂટી પડતા એટીએમના આશ્રયે કામકાજ અર્થે આવેલા પ્રજાજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ત્રણ દિવસથી મોટાભાગના એટીએમ મશીનો રોકડ રકમ ખૂટી પડતા છતાં રૂપિયે નિઃસહાય બન્યા હતા. રોકડ રકમ નો અભાવ, બેંકના જવાબદાર અધિકારીઓની આળસ અને એટીએમમાં કેશ ભરનાર એજન્સીની બેદરકારી જવાબદાર હોવાનું ગ્રાહકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું.

મોડાસા શહેરમાં એટીએમના ભરોશે આરોગ્યલક્ષી સારવાર, લગ્ન પ્રસંગની ખરીદી અને જીવન જરૂરિયાત અને અન્ય કામકાજ અર્થે આવેલા પ્રજાજનો એટીએમ કેશલેશ બનતા રોકડ રકમના અભાવે ભારે હાલાકી ભોગવવાની સાથે દોડાદોડી કરવા છતાં રૂપિયા ન નીકળતા ભારે નિરાશા સાથે તમામ કામો પડતા મૂકી ભારે હૈયે ઘરે પરત ફરવું પડ્યું હતું.