મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર મુલોજ (ડેરા ડુંગરી) પરિવારના સદસ્યો પ્રાંતિજ સલાલ ગામે માતાજીના દર્શન કરી ઈકો કારમાં પરત ફરતા રસુલપુર-મહાદેવપુરા નજીક કારને દૂધના ટેન્કરે ધડાકાભેર ટક્કર મારતા કારનો કડૂચાલો વળી ગયો હતો. કારમાં સવાર કાકા-ભત્રીજા સહીત એક જ પરિવારના ત્રણ સદસ્યો કાળનો કોળિયો બની ગયા હતા. કારમાં સવાર પરિવારના અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે ત્રણે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મુલોજ (ડેરા-ડુંગરી) પટેલીયા પરિવારના ત્રણ સદસ્યોની અર્થી એક સાથે ઉઠતા ગામ આખું હીબકે ચઢ્યું હતું.

મોડાસા તાલુકાના મુલોજ (ડેરા-ડુંગરી) ગામના પટેલીયા પરિવારની ઈકો કારને ગમખ્વાર અકસ્માત નડતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજતા હાહાકાર મચ્યો હતો. મુલોજ (ડેરા-ડુંગરી) ના એક જ પરિવારના સદસ્યો સોમવારે ઈકો કારમાં પ્રાંતિજના સલાલ ગામે નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરી રાત્રીના ૧૧:૩૦ કલાકે પરત મુલોજ આવતા રસુલપુર-મહાદેવપુર ગામ નજીક ઈકો-કાર (ગાડી.નં-GJ 31 A  9232 ) ને મોડાસા તરફથી આવતા દૂધ ટેન્કર (ગાડી.નં-GJ 09  AU 1784 ) ના ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા ઈકો કારમાં સવાર ૧) નાનજીભાઈ ભુરાભાઇ પટેલીયા, ૨) દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલીયા, ૩) મનુ ભાઈ હેમાભાઇ પટેલીયાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય ૧) વીરાભાઇ ગલાભાઇ પટેલીયા, ૨) નવલબેન વીરાભાઇ પટેલીયા અને ૩) શૈલેષ ભાઈ રમેશભાઈ પટેલીયાના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ત્રણે મૃતકની લાશને પીએમ માટે ખસેડી બાલાભાઈ ધુળાભાઈ પટેલીયાની ફરિયાદના આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર ટેન્કર ડ્રાઈવર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્રણે મૃતકોની અર્થીઓ એક સાથે ઉઠતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

મૃતકમાં દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલના અગાઉ પિતા પણ માંદગીમાં મૃત્યુ નિપજતા માતા અને બે નાના ભાઈ-બહેન નું ગુજરાન ચલાવતા દિલીપનું પણ અકસ્માતમાં મોત નિપજતા પરિવારનો એકમાત્ર આધાર છીનવતા આઘાતમાં સરી પડ્યા હતા અને રૉક્કોકાળ કરી મુકતા ભારે કરુણતીકા સર્જાઈ હતી.