કુલીન પારેખ (મેરાન્યૂઝ, રાજકોટ): હાલ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રીમાં વિવિધ રીતે ગરબે ઘુમતી બાળાઓ વિશે તો ઘણું સાંભળવા કે જોવા મળતું હોય છે. પરંતુ પડધરીના મોવૈયા ગામે માત્ર બાળાઓ જ નહીં પણ મંડપ પણ ફરતો જોવા મળે છે. તેના કરતા પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંડપ એક અભણ ખેડૂત એવા ભીમાભાઇ મુંગરા દ્વારા બનાવવામાં આવ્યો છે અને મોબાઈલ દ્વારા દેશના કોઈપણ ખૂણેથી તેને ફરતો ચાલુ કે બંધ પણ કરી શકાય છે. 

પડધરી તાલુકાના મોવૈયા ગામમાં ગરબે રમતી બાળાઓ સાથે મંડપ પણ ફરતો જોવા મળે છે. પ્રાચીન ગરબીમાં અર્વાચીન ટેક્નોલોજીનો આ અનોખો સંગમ જોવા માટે લોકો ઠેર-ઠેરથી અહીં આવે છે. અને મંડપ બનાવનારની કારીગરીના ભરપૂર વખાણ કરતા જોવા મળે છે. વિવિધ રોશનીથી સજ્જ આ મંડપ માત્ર મોવૈયા ગામમાં જ નહી પરંતુ સમગ્ર પડધરી તાલુકામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મંડપની બીજી ખાસીયત એ છે કે આ મંડપને તૈયાર કરવા માટે કોઈ મોટા એન્જીનીયરોની મદદ લેવામાં આવી નથી. એક અભણ ખેડૂત એવા ભીમાભાઇ મુંગરાએ પોતાની સુઝબૂઝ અને કુશળતાથી આ અનોખો મંડપ તૈયાર કર્યો છે.

આટલું જ નહીં મોબાઈલ દ્વારા આ મંડપને દેશના કોઈપણ ખુણેથી ફરતો ચાલુ તેમજ બંઘ પણ કરી શકાય છે. આ માટે મોબાઈલમાં માત્ર એક કોડ નાખવાની જરૂર પડે છે. આ ફરતો મંડપ જોવા દૂર-દૂરથી આવતા લોકો પણ આ મંડપ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. સામાન્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ શહેરોમાં કરાતો હોવાનું માનવામાં આવે છે. પરંતુ બદલાતા સમય સાથે ગામડાઓનું ચિત્ર પણ બદલાયું છે અને નાના ગામોમાં પણ ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું ઉતમ ઉદાહરણ આ અનોખો મંડપ પુરૂ પાડે છે.

સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી નવદુર્ગા નામની આ ગરબીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અને આ ગરબી માત્ર ફરતા મંડપને કારણે નહીં પણ બાળાઓના પ્રાચીન રાસને લઈને પણ લોકોમાં જાણીતી બની છે. અહીં નાની-નાની બાળાઓ વિવિધ પ્રાચીન રાસ રજુ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આ માટે નવરાત્રીના એકાદ મહિના અગાઉથી જ બાળાઓને પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. જેને લઈને આ ગરબી પડધરી તાલુકામાં અનોખી ઓળખ ધરાવે છે.