નવી દિલ્હી: દેશભરના જુદાજુદા રાજ્યોમાં બાળક ચોર કે પછી ખોરાક ચોર માની કેટલાક લોકોની ટોળ દ્વારા માર મારી હત્યા કરવામાં આવ્યાની ઘટનાઓ તાજેતરના મહિનાઓમાં ઘટી હતી. જે અંગે ગઇકાલે લોકસભામાં પણ હંગામો થયો. આ અંગે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કેરળ અને પશ્ચિમ બંગાળમાં ટોળા દ્વારા માર મારવામાં આવ્યાની ઘટનાઓને આર્થિક અસમાનતાના કારણે બની હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ લોકસભામાં જણાવ્યું હતું કે મોબ લિંચિંગની ઘટનાઓ સરકાર માટે ચિંતાનો વિષય છે અને આ ઘટનાઓ બની તે રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન જાહેર કરવા સૂચનો આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ જે ટોળા દ્વારા માર મારી હત્યા કરવાની ઘટનાઓ ઘટી રહી છે તેવી ઘટનાઓ અમેરિકામાં 19મી સદીમાં ઘટી હતી. જે અંગેનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.

છેલ્લા થોડા દિવસોથી આપણા અખબારોના પાનાંઓ ભરીને ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓથી છલકાઈ રહ્યા છે. લિન્ચિંગ જેને ગુજરાતી ભાષામાં સંગસારી તરીકે ઓળખાવવામાં આવે છે.  બીજા શબ્દોમાં કહીએ તો ટોળા દ્વારા પથ્થર મારીને કોઈ વ્યક્તિને મારી નાખવાના કૃત્યને સંગસારી તરીકે ઓળખાવવામાં આવે છે. આજકાલ ભારતમાં બની રહેલી ઘટનાઓમાં ટોળા દ્વારા માર મારીને કોઈ વ્યક્તિને મારી નાખવામાં આવે છે. આમ તો આ પ્રકારની ઘટનાઓનું ઉદ્ભવ સ્થાન અમેરિકા છે.19મી સદીના પહેલા પાંચ દાયકાઓ વીતી ગયા તે પછીના સમયગાળામાં અમેરિકામાં લિન્ચિંગ શબ્દનો વ્યાપક ઉપયોગ થવા માંડ્યો હતો. 1865થી માંડીને 1920 સુધીના 55 વર્ષના ગાળામાં અમેરિકામાં ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઓછામાં ઓછી 3500 ઘટનાઓ બની હતી. તેમાંય ખાસ કરીને દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં આ ઘટનાઓ બની હતી.  કાળાંઓને મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો અને કાળાઓ પરત્વે ભેદભાવ રાખતો જિમ ક્રો કાયદાનું ઘડતર કરવામાં આવ્યું તે ગાળામાં આ ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ છૂટી છવાઈ નહોતી. હિંસાની સહજ પ્રવૃત્તિ તરીકે બનેલી ઘટનાઓ હતી. આ ઘટનાઓ ચોક્કસ હેતુઓ સાથે સર્જાયેલી રાજકીય ઘટનાઓ જ હતી. આંતર વિગ્રહ પૂરો થયા પછીની આ ઘટનાઓ હતી. ગુલામીનો કાળ પૂરો થયા પછી આફ્રિકન અમેરિકન પર પોતાનો અંકુશ તથા સર્વોપરિતા પ્રસ્થાપિત કરવા માટે શ્વેત પ્રજા તરફથી આ પ્રવૃત્તિ આચરવામાં આવી હતી.

આફ્રિકન અમેરિકન્સ દ્વારા આચરવામાં આવતી આ જાહેર હિંસાની આ ઘટનાઓને ન્યાયી ઠેરવવા માટે શ્વેત મહિલાઓ સામે જાતિય ગુનાઓ એટલે કે તેમના પર બળાત્કાર કરવામાં આવી રહ્યા હોવાના કારણો ઉપજાવી કાઢવામાં આવતા હતા. તેની પાછળનો ઉદ્દેશ તો ગુલામીમાંથી મુક્ત થયેલા અશ્વેત-કાળિયાઓને રાજકીય અને સામાજિક સમાનતા ન મળવા દેવાનો હતો. દક્ષિણ કેરોલિનાના ગવર્નર બેન્જામિન તિલમાને સરેઆમ કહ્યું હતું કે, શ્વેત પ્રજા પર શાસન કરવા માટેના નિગ્રોના અધિકારોને અમે દક્ષિણના નાગરિકોએ ક્યારેય માન્યતા આપી નહોતી અને ક્યારેય આપીશું પણ નહિ. અમે ક્યારેય માન્યું નથી કે તેઓ(નિગ્રો) શ્વેત-ગોરી પ્રજાની સમાન છે. અમારી પત્નીઓ અને પુત્રીઓ પ્રત્યેની તેમની કામલોલુપતા સામે ઝૂકી જઈને અમે ક્યારેય તેમને તેમની ઇચ્છાઓ સંતોષવા દઈશું નહિ અને તેમને મારીમારીને પૂરા કરી દઈશું.

અમેરિકામાં બનેલી ટોળા દ્વારા મારી નાખવાની ઘટનાઓ અંગે સમજૂતી આપતી અને આ ઘટનાઓ પાછળની માનસિકતાનું વિશ્લેષણ કરતું ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. આપણા ભારતમાં બની રહેલી ઘટનાઓને સારી રીતે સમજવા માટે અમેરિકાની ઘટનાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તેમાંય ખાસ કરીને અમેરિકામાં બનેલી ભયંકર ઘટનાઓની તવારીખમાંથી ત્રણ મહત્વના બોધપાઠ લેવાના છે. 

સૌ પ્રથમ તો અમેરિકાના અનુભવ પરથી એક વાત નિશ્ચિત થાય છે કે ટોળા દ્વારા મારી નાખવાની ઘટનાઓ એ કોઈ હિંસાની છૂટી છવાઈ ઘટનાઓ નથી. આ સમાજની આંતરિક માનસિકતાને અભિવ્યક્ત કરતી ઘટનાઓ છે. જે રાજકીય માહોલમાં આ ઘટનાઓ આકાર લે છ તે પણ ધ્યાનમાં લેવા જેવી છે. અમેરિકામાં સંગસારીની ઘટનાઓ અંગેના અભ્યાસ કરતાં પ્રોફેસર રેન્ડોલ મિલરે નોંધ કરી હતી કે રંગભેદને કારણે ટોળા દ્વારા કાળિયાઓને મારીને મારી નાખવાના કિસ્સાઓ અે અમેરિકાના સમાજની કથા છે.

તેમણે લખ્યું છે કે કોઈ સ્થળે સમાજની ખરાબ વ્યક્તિઓના ટોળા દ્વારા કોઈને મારીને મારી નાખવાની બનતી ઘટનાઓ જેવી ઘટના નહોતી. આ ઘટનાઓમાં સમગ્ર પ્રજા સીધી ભાગીદાર ન બને તો પણ તેને સમર્થન આપવાની માનસિકતા શ્વેત પ્રજામાં જોવા મળતી હતી. આ ઘટનાઓમાં સ્થાનિક નેતાઓએ ભાગ લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટનાઓને વાજબી ગણાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીના મોતની માગણી કરતી પ્રજાની ઇચ્છાને માન આપીને આ નેતાઓએ તેમની પોતાની સત્તાને વધુ સંગીન બનાવી હતી. આ પ્રકારની ઘટનાઓને વ્યાપકપણે  સમર્થન આપવું એ મહત્વનું રાજકીય સાધન હતું. ડેમોક્રેટિક પાર્ટીની દક્ષિણ પાંખે તેનો ઉપયોગ પક્ષને પુનઃ પ્રસ્થાપિત કરવા, પક્ષના વર્ચસ્વને જાળવી રાખવા અને દક્ષિણની ધારાસભાઓ પરનો અંકુશ જાળવી રાખવા માટે કર્યો હતો. 

ટોળા દ્વારા માર મારીને મારી નાખનારા આરોપીઓને જયંત સિંહાએ હારતોરા કરાવ્યા અને તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા તે ઘટના અથવા તો અલવરના ભાજપના વિધાનસભ્યએ પેહલુખાનને માર મારીને મારી નાખવાની ઘટનાને વાજબી ઠેરવી તે ઘટના અને આરોપીઓ સામે ખોટી રીતે આરોપ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કર્યોો અથવા તો કેન્દ્રના પ્રધાન મહેશ શર્માએ દાદરી હત્યાકાંડના આરોપીની અંતિમ યાત્રામાં ભાગ લીધો તે ઘટનાએ 19મી સદીમાં અમેરિકામાં બનેલી ટોળા દ્વારા કાળિયાઓને મારી નાખવાની ઘટનાઓ વખતે સ્થાનિક નેતાઓએ પોતાની સત્તાને પ્રસ્થાપિત કરવા માટે ભજવેલી ભૂમિકા જેવી ભૂમિકા જ છે અને લોકોની ઇચ્છાને આધીન થવા જેવી ઘટના છે.  કેન્દ્રના પ્રધાન જયંત સિંહાએ તો આઠ આરોપીઓ સાથે ઊભા રહીને ફોટો પણ પડાવ્યો હતો. 

મિલરે લખ્યું છે કે દક્ષિણ અમેરિકાના સ્થાનિક નેતાઓ જાહેરમાં તો કાયદાને માન આપવાની અને ન્યાયની પ્રક્રિયાને અનુસરવાની વાતો કર્યા કરતા હતા, પરંતુ ટોળાં દ્વારા કોઈને માર મારીને મારી નાખવાની ઘટના બને તેઓ તે ઘટનાને વખોડવાનો કે પછી તેમાં સંડોવાયેલા લોકો સામે કોર્ટ કાર્યવાહી કરીને સજા કરવાની વાત પણ કરતા નથી. તેમની વર્તણૂક (ભલે તે જાહેરમાં ન કરાયેલી હોય), આ પ્રકારની ઘટનાઓના અંજામને સમર્થન આપતી હોય તેવી હતી, એવી નોંધ મિલરે કરેલી છે. જાણે મિલર જયંત સિંહા અને તેની જમાતની જ વાત કરતાં હોય તેવું જણાય છે. 

સતર્ક રહેતા મંડળના (વિજિલાન્ટે જસ્ટિસ) સભ્યો દ્વારા ન્યાય કરવાની વાતો કરનારાઓએ આ પ્રકારની ઘટનાઓને વખોડી કાઢવાને બદલે 21મી સદીના ભારતમાં સત્તાના કેન્દ્રો તરફથી આ પ્રકારના કૃત્ય કરનારા આદિત્યનાથને નવાજવામાં આવ્યા છે. પોતાના લડવૈયાના જૂથની સાથે હિંસક હુમલાઓનું નેતૃત્વ કરવા બદલ આદિત્યનાથની ભૂતકાળમાં ધરપકડ પણ થયેલી હતી. છતાં તેમના આ કાર્યના બદલામાં તેમને દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીનો હોદ્દો આપીને નવાજેશ કરવામાં આવી છે.

આ ઘટનાઓ પરથી સમજી લેવા જેવી બીજી એક વાત એ છે કે સતર્ક મંડળના સભ્ય તરીકે ન્યાય તોળી દેવાની ભાવનાના (સમાજનું એક જૂથ પોતાની રીતે જ ન્યાય તોળી દે તેવી ભાવનાના) મૂળિયા સમાજમાં ઊંડા ઉતરી રહ્યા છે. આ ભાવનાને કારણે સમાજના નવા નવા વર્ગો ટાર્ગેટ બની રહ્યા છે. મિલરે નોંધ્યું છે તેમ સતર્કતા મંડળના સભ્યો દ્વારા તોળવામાં આવતો ન્યાય બરછટ ન્યાય છે. આ પ્રકારે માત્ર ને માત્ર અશ્વેત પ્રજા સાથે જ ન્યાય કરવામાં આવતો હતો. તેઓ સમાજના અપ્રિય ગણાતા દરેક વર્ગના લોકો સાથે આ જ રીતે ન્યાય તોળતા હતા. સમાજ પર વર્ચસ ધરાવતો વર્ગ જે વર્ગને આવકારતો ન હોય તેની સાથે આ જ રીતે ન્યાય તોળતા હતા.

19મી સદીમાં આ પ્રકારની ઘટનાઓનો સૌથી વધુ ભોગ અમેરિકન આફ્રિકન બનતા હતા. તેવી જ રીતે અન્ય વંશિય જૂથો એટલે કે  અમેરિકાના મૂળવતનીઓ, લેટોનિયન, ઇટાલિયન અમેરિકન અને એશિયન અમેરિકન્સ પણ શ્વેત પ્રજા દ્વારા ટોળે મળીને મારી નાખવાની ઘટનાઓનો ભોગ બનતા હતા. આ પ્રકારની મોટામાં મોટી ઘટના 1891ની સાલમાં બની હતી. તેમાં ઇટાલિયન અમેરિકન વંશની 11 વ્યક્તિઓના જૂથને લુસિયાનામાં માર મારીને મારી નાખવામાં આવ્યા હતા. સ્થાનિક મેયરની હત્યામાં તેમની ભૂમિકા હોવાના કહેવાતા કારણોને આગળ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આ જ રીતે 1871ની સાલમાં કેલિફોર્નિયામાં 20 ચાઈનિઝ ઇમિગ્રન્ટ્સની હત્યા કરવામાં આવી હતી. એક સ્થાનિક વ્યક્તિની હત્યા કરવાના કેસના સંદર્ભમાં 20 ચાઈનિઝ ઇમિગ્રન્ટ્સને મારી નાખવામાં આવ્યા હતા.

જોકે નાના બાળકોનું અપહરણ કરી જનારાઓને ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટના, ગાયને ઉપાડી જવાની કે પછી ગાયની કતલ કરવાની કામગીરી કરનારાઓને ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓ કરતાં જુદી છે તેવી લોકોની દલીલમાં થોડુંગણું વજૂદ જરૂર છે. છતાંય ચોક્કસ જાતિ કે સમુહ પરત્વેના તીવ્ર અણગમામાંથી પેદા થયેલી આ ઘટનાઓ છે. ટોળાને સમાજના જે વર્ગ સામે અણગમો છે તેમના કિસ્સાઓમાં તરત જ ન્યાય તોળી દેવાની ટોળાશાહી માનસિકતા પણ તેમાં જોવા મળે છે. તેમના વિસ્તારની બહારથી આવેલી વ્યક્તિઓ પરત્વે આ અણગમાની ભાવના જોવા મળે છે. આ રીતે ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓને કાયદેસરતા બક્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. સતર્કતા મંડળના સભ્યો દ્વારા તોળવામાં આવેલો ન્યાય (વિજિલાન્ટે જસ્ટિસ) કાયદેસર જ છે તેવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરાયા છે. તેઓ તરત સજા કરી દેવાના મતના જ છે. આમ સારા ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદ વચ્ચે પાતળી ભેદરેખા ઓગળી જાય છે. સામુહિક ઝનૂનમાં ગાયને ઉપાડી જવાના કહેવાતા ગુનેગારોને ટોળા દ્વારા મારીને મારી નાખવામાં કંઈ જ ખોટું નથી તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓને સમર્થન આપવાની બાબત આવે ત્યારે સરકાર નાનામાં નાની વાતના સંદર્ભમાં પાકિસ્તાનને તેઓ ત્રાસવાદીઓને સમર્થન આપી રહ્યા હોવાનું જણાવવાની તક ચૂકતી નથી. 

સરકારે વોટ્સએપ ગ્રુપનું વધુ સારી રીતે નિયમન કરીને બાળકનું અપહરણ કરનારાઓ અંગેની અફવાઓના સંદર્ભમાં પ્રતિભાવ આપવાનું પસંદ કર્યું છે. આ માટે વોટ્સ અપમાં નવા ફિચર્સ ઉમેરવા વિનંતી કરી છે. તેમ કરીને પ્રજાજનોમાં જાગૃતિ વધારવાનો અને સ્થાનિક ગુપ્તચરોને વધુ સંગીન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ વહીવટી પગલાંને પરિણામે આ દૂષણ સાવ બંધ ભલે ન થાય, પણ તેના પર અંકુશ જરૂર આવશે. પોલીસ દળ ગમે તેટલું મજબૂત કે સંગીન હોય તે 20 કરોડ વોટ્સએપયુઝર્સ પર દેખરેખ રાખી જ ન શકે. તેમ જ ઝનૂને ચઢેલા એક હજારથી વધુ માણસોના ટોળાને પણ અંકુશમાં રાખી શકે નહિ. તેમાંય ખાસ કરીને ભારતની પોલીસ પાસે સ્રોતો ઓછા છે અને તેની અસરકારકતા ઓછી છે ત્યારે તેમને માટે આ બધા પર અંકુશ રાખવો બહુ જ કઠિન છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ટોળા દ્વારા કોઈ વ્યક્તિઓને મારી નાખવાની ઘટના બને ત્યારે પોલીસ સ્ટેશનથી તે કેટલી દૂર કે કેટલી નજીક બને છે તે બાબત ગણતરીમાં લેવા જેવી જ નથી, કારણ કે વર્ષમાં બનેલી ટોળા દ્વારા મારી નાખવાની 27 ઘટનાઓમાં મોટાભાગની ઘટનાઓ પોલીસ સ્ટેશનથી બે કિલોમીટરના અંતરની અંદર જ બનેલી છે. કેટલીક ઘટનાઓમાં તો નિસહાય પોલીસ અધિકારીઓની હાજરીમાં જ ટોળાએ વ્યક્તિને મારી નાખી છે.

અમેરિકન એક્સપ્રેસ દ્વારા સૂચવવામાં આવ્યું છે તેમ તરત ન્યાય તોળી દેવાની ભાવનાને વરેલા (વિજિલાન્ટે જસ્ટિસવાળા) લોકો સામે સામાજિક સ્તરેથી પ્રચંડ વિરોધ કરવામાં આવે ત્યારે જ ટોળાં દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓ બનતી અટકશે. શાસક પક્ષના સભ્ય તરીકે કે પછી જાહેર પ્રસારના માધ્યમ તરીકે માત્ર ઉપરછલ્લો વિરોધ કરીને કે ઘટનાને વખોડીને વિરોધ કરવાની માનસિકતાને કારણે વાસ્તવિક સ્થિતિની ગંભીરતાનો બરાબર ખ્યાલ આવતો નથી. પ્રોફેસર મિલર દલીલ કરતાં જણાવે છે કે ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓને અટકાવવા માટે કોઈ મહત્વનું પરિબળ હોય તો ઉત્તરના વિસ્તારોમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે નોંધાવવામાં આવેલા જોરદાર વિરોધ છે. ઉત્તરના અખબારોએ આ પ્રકારની ઘટનાઓનો વિરોધ કરીને આદરેલી ઝૂંબેશે પણ તેને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કાયદાનું શાસન ન રહ્યું હોવાનું અને સમાજનું નૈતિક પતન થયું હોવાને નામે તેમણે સતત આ પ્રકારની ઘટનાઓનો વિરોધ કર્યો હતો અને ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓને જંગાલિયત સાથે તેમણે સરખાવી હતી. 

હવે આપણે ત્રીજી નોંધ લેવા જેવી બાબતની વાત કરીએ. ટોળાં દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓ અંગે મિડિયામાં પ્રગટ થતાં અહેવાલો કઈ રીતે તેમને સમર્થન આપે છે કે તેમનો વિરોધ કરે છે તે બતાવે છે. અમેરિકામાં ટોળા દ્વારા માર મારીને મારી નાખવાની બનેલી ઘટનાઓ અંગે સર્વગ્રાહી અભ્યાસ કર્યા પછી ક્રિસ્ટોફર વાલ્ડરેપે નોંધ કરી છે કે ટોળાં દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓ વખતે કેવા પ્રકારની બૂમાબૂમ કરવામાં આવતી હતી અને તેનું વર્ણન કઈ રીતે કરવામાં આવે છે તે મહત્વના છે. અગાઉ ઇડા વેલ્સ અને એનએએસીપીએ લિન્ચિંગ-ટોળાં દ્વારા કરાતી હત્યા વખતે કરાતી બૂમાબૂમમાં વપરાતા શબ્દો બદલી નાખવામાં સફળતા મેળવી હતી. ઉત્તરના વિસ્તારોમાં તો તેમણે આ ફેરફાર લાવી દીધો હતો. પરંતુ સામાન્ય પણે અખબારો તેમના વર્ણનની માધ્યમથી ટોળા દ્વારા કરવામાં આવતી હત્યાને ન્યાયી ઠેરવી દેવાનો પ્રયાસ કરતાં હતા. મોટા ભાગના અખબારો ટોળા દ્વારા કરવામાં આવતી હત્યાના અહેવાલો એક શ્રેણીબદ્ધ લેખમાળાની માફક કરતા હતા. તેનો ભોગ બનેલી વ્યક્તિ દ્વાર ભયંકર ગુનો કરવામાં આવ્યો હતો અને સ્થાનિક પ્રજાના ટોળાએ તત્કાળ ન્યાય મળે તેવી અપેક્ષા રાખી હતી. બીજી તરફ સ્થાનિક અદાલતો સ્થાનિક પ્રજાની માગણી મુજબ ત્વરિત ન્યાય તોળવા માટે અસમર્થ હોવાથી આ પ્રકારની ઘટનાઓ બની હોવાનું જણાવતા હતા. આ અહેવાલમાં સ્થાનિક પ્રજામાં જે તે વ્યક્તિ કે તેના સમુહ પરત્વેની ઘોર ઘૃણાની ભાવના હોવાનું ક્યારેય દર્શાવતા નહોતા. તેને બદલે તેની પાછળના કારણોની જ વાત કર્યા કરતા હતા અને માત્ર ત્વરિત ન્યાયની જ વાત કરતા હતા. 

ત્યારબાદ જ્યારે અખબારોએ કે જાહેર પ્રસારણના માધ્યમોએ અને નાગરિક અધિકારો માટે લડત ચલાવતા એક્ટિવિસ્ટોએ ટોળાં દ્વારા માર મારીને મારી નાખવાની ઘટનાઓને વખોડવાનું ચાલુ કર્યું તે પછી ટોળાં દ્વારા મારી નાખવાની ઘટનાઓ ગેરકાયદે ને કાયરના કૃત્ય તરીકે ઓળખાતી થઈ હતી. 

ભારતીય અખબારોમાં સામાન્ય રીતે આ પ્રકારની હેડલાઈન્સ જ જોવા મળે છે. કહેવાતા ગાય સ્મગલરને ટોળાંએ મારી નાખ્યો.આ અહેવાલોમાં આક્ષેપોની વિગતો આપવામાં આવે છે. પશુઓનો વેપાર કરતાં વેપારીની ટ્રકમાં શું શું ભરેલું હતું તેની વિગતો આપવામાં આવે છે. અખલકના કસ્સામાં બન્યું તું તેમ તેના ફ્રિજમાં શી વસ્તુઓ પડી હતી તેની જ વિગતો અહેવાલોમાં આપવામાં આવેલી હતી. બે જુદાં જુદાં ગુનાઓને એક જ કક્ષામાં મૂકી દેવાનું વલણ જોવા મળે છે. સામાન્ય રીતે વારંવાર જોવા મળે છે કે ખોટું કરનારાઓની સાથે પોલીસ આ ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિ સામે પણ કેસ બનાવે છે. 19મી સદીમાં દક્ષિણ અમેરિકાના અખબારોમાં જોવા મળતું હતું તેમ જ આપણા દેશના અત્યારના અખબારો અને જાહેર પ્રસારણના માધ્યમો ટોળા દ્વારા કરવામાં આવતી હત્યાઓ પાછળના સામાજિક અને રાજકીય સંદર્ભો પર પ્રકાશ પાડવાનું ટાળી રહ્યા છે. માત્ર આ ઘટના માટે પ્રેરકબળ બનેલા ગુના પર જ ફોકસ કરીને અહેવાલો રજૂ કરે છે. તેમના અહેવાલોમાં ગૌરક્ષક ને ગાયની ચોરી કરનારા બે જ શબ્દસમુહનો વધુ ઉપયોગ થાય છે. આ રીતે તેઓ પોતાની રીતે જ ઘટનાને ન્યાયી ઠેરવી દેતા હોવાનું જોવા મળે છે.  ટોળા દ્વારા કરવામાં આવતી ઘટનાઓ આપણા રાષ્ટ્ર માટે શરમજનક ઘટના ગણાય તેવી રજૂઆત કોઈપણ કરતાં નથી. આ તબક્કે સમાજમાંથી તેનો વિરોધ કરતો પ્રચંડ સૂર ઊઠે અને આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી જાય તેવી અપેક્ષા રાખવી પણ  અસ્થાને છે.

ટોળાં દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટનાઓનો સામનો કરવા માટે સૌથી પહેલા તો તેના સામાજિક અને રાજકીય પાયાને સમજવો જરૂરી છે. આ માટેની જવાબદારીમાંથી પોતાની જાતને મુક્ત કરી દેવી ઉચિત નથી. અત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવા માટે વોટ્સઅપ પર ફરતા થયેલા અહેવાલોને માથે નાખી દેવામાં આવે છે. પરંતુ વોટ્સઅપ આવ્યાને હજી બહુ થોડા જ વરસો થયા છે. પરંતુ ટોળાં દ્વારા હત્યા કરવાની અને ટોળાં દ્વારા હિંસા આચરવાની બાબતનો બહુ જ લાંબો ઇતિહાસ ભારતમાં પણ મોજૂદ છે. દલિતને ડરાવી દેવા અને તેમને સમાજના સૌથી નીચલા સ્તરે પડ્યા રહેવા દેવા માટે આ પદ્ધતિનો લાંબા ગાળાથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કટાર લેખક આકાર પટેલ તેમની સ્પષ્ટવક્તા જેવી અદામાં લખે છે કે આપણે જેને ટોળાંની હિંસા તરીકે ઓળખાવીએ છીએ તે જ વાસ્તવમાં ભારતીય સમાજની માનસિકતા છે. માત્ર નવ નિર્મિત એટલે કે 21મી સદીના ભારતમાં તેનો વ્યાપ વધ્યો  છે અને સત્તાના ટોચના લેવલેથી તેને કાયદેસરતા બક્ષવામાં આવી રહી છે.

સમાજની ત્વરિત ન્યાય આપવા(વિજિલાન્ટે જસ્ટિસ)ની માનસિકતાને સામાજિક અને રાજકીય કાયદેસરતા પ્રાપ્ત થતાં અમેરિકામાં ટોળા દ્વારા હત્યા કરવાની ઘટનાઓ પચાસ વર્ષથી વધુ સમય સુધી સતત બનતી રહી હતી. આપણે પોતે જ આ માનસિકતા બદલવા તૈયાર નહિ થઈએ ત્યાં સુધી આ પરિસ્થિતિ બદલાશે તેવી આશા રાખવી એક ધરાર ખોટી છે. આપણા સમાજમાં ટોળાં દ્વારા હત્યાઓ કરાતી અટકાવવાની આપણી પોતાની ઇચ્છા હોય તો આપણી સામાજિક સંસ્થાઓથી માંડીને જાહેર પ્રસારણના માધ્યમોએ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓએ આગળ આવીને ટોળાં દ્વારા ત્વરિત ન્યાય માટે કરાતી હત્યાઓનો વિરોધ કરવો જોઈએ. તેમ જ ત્વરિત ન્યાય આપવાની ટોળાશાહી માનસિકતાનો પણ વિરોધ કરવો જોઈએ. આ બધાં ઉપરાંત રાજકીય નેતાઓએ પણ સમાજના ચોક્કસ વર્ગ પરત્વેની તિરસ્કાર અને ઘૃણાની ભાવનાનો ચોક્કસ રીતે વિરોધ કરવો જોઈએ. તેથી ટોળા દ્વારા હત્યા કરવાની ઘટનાઓમાં ઘટાડો થાય. આ પ્રકારની ઘટનાઓને વખોડી કાઢવાને બદલે તેઓ આ પ્રકારની ઘટનાઓમાં શામિલ લોકોને હારતોરા પહેરાવીને આવકારી રહ્યા છે.

(આ લેખના લેખક અસીમ અલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, મુંબઈ સાથે સંકળાયેલા છે.)