મેરાન્યૂઝ નેટવર્ક, ઉપલેટા: ધોરાજીના ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં છેલ્લા ઘણા સમયથી ભાદર-2 ડેમનું પાણી સિંચાઇ માટે ખેડૂતોને આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે બે દિવસ અગાઉ વસોયાએ સિંચાઈ કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. જે અંતર્ગત આજે 22 ગામના ખેડૂતોને સાથે રાખીને કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને લલિત વસોયા સહિતના દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ છે કે સિંચાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવે. ધોરાજીમાં આવેલ ભાદર-2  ડેમ જેતપુરનાં કેમિકલયુક્ત પાણીથી ભરેલો છે. હાલ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે. શિયાળુ પાક માટે પાણી છે. પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે તો પણ પાણીનો સરપ્લસ જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. તો ખેડૂતોને પાણી મળવું જોઇએ તેમની સાથે અન્યાય થવો ન જોઇએ. પરંતુ ખેડૂતોની આ માંગ સંતોષવાને બદલે સરકાર પોલીસતંત્રનો દુરુપયોગ કરે છે અને આતંકવાદી ઘૂસવાના હોય તેમ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.