મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગઢડા  વિસ્તારમાં સિંચાઈના પાણીના ન મળતા પાક સુકાઈ જવાના મુદ્દે મુંઝવાયેલા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. આ પ્રશ્ને ગઢડા મત વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ મારુએ આત્મવિલોપનની લેખિત ચીમકી આપી હતી જેનાથી બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સિંચાઈ વિભાગને આદેશ કરવામાં ૩ જ દિવસમાં ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ ૧૫મી સપ્ટેમ્બરના રોજ આત્મવિલોપન કરવાની લેખિત ચીમકી આપી હતી જેમાં તેઓ ખેડૂતોને પાણી ન આપવામાં આવે તો ૪૮ કલાકમાં આત્મવિલોપન કરવાનું જણાવ્યું હતું.

ધારાસભ્યની આત્મવિલોપનની લેખિત ચીમકીના પગલે જીલ્લા મેજીસ્ટ્રેટ બોટાદે ગંભીર નોંધ લઈને સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગને  તાત્કાલિક ધોરણે નિયમો અનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા જેના પગલે કાર્યપાલક ઈજનેર દ્વારા ત્રણ દિવસમાં ધારાસભ્યના મત વિસ્તારમાં પાણી પૂરું પાડવાનો લેખીત  અહેવાલ જીલ્લા મેજિસ્ટ્રેટ અને ધારાસભ્યને મોકલ્યો હતો. ધારાસભ્યની આત્મવિલોપનની ચીમકીથી હરકતમાં આવેલ સિંચાઈ વિભાગે ૩ જ દિવસમાં ગઢડા મત વિસ્તારના ઉમરાળા અને વલ્લભીપુર વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડ્યું છે.

કોંગ્રેસી ધારાસભ્ય પ્રવીણ મારુએ જણાવ્યું કે, “સતત ૨ વર્ષથી ખેડૂતોને પાક વીમા નથી આપવામાં આવ્યા.આ સ્થિતિમાં આ ખેડૂતોને આ વર્ષે જો જલ્દીથી પાણી ન મળત તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાત અને પાયમાલી સર્જતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ મને આ વાત કરતા હું સતત ૧૦ દિવસથી રજૂઆત કરતો હતો છતાં સિંચાઈનું પાણી આપવામાં આવ્યું ન હતું. જેથી મેં આત્મ વિલોપન કરવાની લેખિત જાણ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે આ ગંભીરતાથી લે નહી તો આત્મવિલોપન કરીશ જ. ખેડૂતોના આ પશ્ને  આત્મવિલોપનની ફેક્સ-લેખિત રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ૩ દિવસના સમયમાં ૯૦ કિમી દુરથી પાણી મારા વિસ્તારને પહોંચાડવામાં આવ્યું છે.”