મેરાન્યૂઝ નેટવર્ક.પ્રશાંત દયાળ: પાટણમાં દલિત આગેવાન ભાનુએ દલિતોના જમીનના મુદ્દે અનેક રજૂઆત કર્યા છતાં પરિણામ નહીં મળતા રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે પોતાનો જીવ આપી દીધો, જેના પગલે દલિતો રસ્તા ઉપર ઉતર્યા અને પોતાની નારાજગી વ્યકત કરી, રવિવારના રોજ આ મુદ્દે  બંધનું એલાન પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હાજરી આપવા માટે જઈ રહેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની કાલુપુર પાસે પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કાયદાના સ્નાતક અને ધારાસભ્ય જીજ્ઞેશનો પીત્તો ગયો અને તેમણે પોલીસ અધિકારીઓ સાથે દુરવ્યવહાર કર્યો, આ મુદ્દે પોલીસ અધિકારીઓને માઠું લાગવું અનિવાર્ય હતું.

ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જે કે ભટ્ટે આ મુદ્દે એક પત્રકાર પરિષદ બોલાવી અને જીજ્ઞેશના  વ્યવહાર અંગે નારાજગી પણ વ્યકત કરી, તેમજ આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષને પણ જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, સવાલ અહિંયા જીજ્ઞેશનના વ્યવહાર અને પોલીસના અપમાન માત્રનો નથી, જેમના શરીર ઉપર ખાખી કપડુ છે, તે તમામને માન આપવું જ જોઈએ, તેમાં બે મત નથી, ચાર રસ્તા ઉપર ઊભો રહેલા એક ટ્રાફિક પોલીસ કર્મી રોજના લાખો વાહન ચાલકોને નિયંત્રણ કરે છે, તેનો અર્થ એક પોલીસને લાખો લોકો માન આપે છે તેના કારણે શહેરના ટ્રાફિક નિયમબંધ ચાલે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફરજ ઉપરના પોલીસ સબઈન્સપેકટરને કહ્યું તારા પટ્ટા ઉતારી લઈશ.

પોલીસને તો હાલતા-ચાલતા મવાલીઓ પણ પટ્ટા ઉતારી લેવાની ધમકી આપે છે, પણ જીજ્ઞેશ તો ધારાસભ્ય હોવાની સાથે એક સંવેદનશીલ માણસ છે, તેને હું વ્યકિતગત રીતે પણ ઓળખું છું, તેના કારણે જીજ્ઞેશનો વ્યવહાર મને પણ માઠુ લગાડનારો હતો, પરંતુ પોલીસને દરેક વખતે પોતાનું અપમાન થાય ત્યારે માઠુ લાગતું નથી, જીજ્ઞેશ મેવાણી અપક્ષ ચૂંટાયા અને કોંગ્રેસનો ટેકો હોવાને કારણે પોલીસને માઠું લાગી ગયું, પણ આવું જ અપમાન ભાજપના કોઈ નેતા અથવા ધારાસભ્યએ કર્યું હોત તો ચોક્કસ જે કે ભટ્ટ આવી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની હિંમત કરતા નથી, છેલ્લી બે દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, મેં અનેક વખતે ભાજપના નાના મોટા નેતાઓને નાના પોલીસ કમર્ચારીઓથી લઈ આઈપીએસ અધિકારીઓને પોલીસનું અપમાન કરતા જોયા છે.

પણ સત્તાધારી ભાજપના નેતા જ્યારે પોલીસનું અપમાન કરે ત્યારે પોલીસ તે કડવો ઘુટડો ગળી જાય છે, કારણે તેની પાછળ સારા પોસ્ટીંગની લાલચ હોય છે. પાટીદાર આંદોલન વખતે ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ જાહેરમાં એસપી અતંરીપ્ત સુદને  સાથે દુરવ્યવહાર કરી તેમને ખખડાવ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો, પણ ત્યારે પોલીસને માઠું લાગ્યું નહીં, આ પ્રકારે ભાજપના આણંદના નેતા દિલીપ પટેલ એક મિલ્કત ઉપર કબજો કરવા માગતા હતા ત્યારે એક સબઈન્સપેકટરે ગરીબ ફરિયાદીની મદદ કરી અને દિલીપ પટેલના માણસોને પુરી દિધો ત્યારે દિલીપી પટેલે પીએસઆઈને તમામ ખરાબ ભાષાઓમાં ભાંડયા હતા, ત્યારે પોતાના પીએસઆઈનું અપમાન થયું છે તેવું માઠું તેમના સિનિયરને લાગ્યું નહીં કારણ તેઓ ભાજપના હતા.

પોલીસ અધિકારી નોકરીમાં જોડાતા પહેલા આકરી ટ્રેનીંગ લે છે, નોકરીમાં જોડાતા પહેલા બંધારણના સોગંદ લે છે અને પોલીસના ટોપી અને કમરપટ્ટા ઉપર અશોક સ્તંભ હોય છે. જે સતત કોઈ પણ પક્ષપાત અને ધર્મને જોયા વગર દેશના રક્ષણની જવાબદારીને યાદ અપાવે છે, પણ આ પોલીસ અધિકારીઓ સત્તાધારી પક્ષ સામે ઘુંટણીયે પડી જાય છે. પોલીસ અધિકારીઓ વીસ વર્ષ પહેલા કોંગ્રેસના નેતાઓના ઘુંટણીયે પડી જાય છે. પોલીસ તંત્રમાં જેમ જેમ હોદ્દો વધતો જાય છે તેમ તેમ પોલીસ અધિકારી ડરપોક થતો જાય છે, કારણ નાના પોલીસ કર્મચારીનું રાજકારણી ખાસ બગાડી શકતા નથી, પણ જેમ મોટો સાહેબ તેમ તેનો ડર પણ મોટો થતો જાય છે.

જીજ્ઞેશ મેવાણીના વ્યવહારનું ખરાબ લાગ્યુ સારી વાત છે, પણ 2002થી 2006 સુધી ગુજરાતમાં સતત એન્કાઉન્ટરનો દૌર ચાલ્યો ત્યારે ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓને ખરાબ લાગ્યું નહીં, અમિત શાહ એક પછી એક ખોટા આદેશો કરતા રહ્યા પણ સિનિયર પોલીસ અધિકારીઓની સ્વાર્થી મનોવૃત્તીને કારણે એક ચાપલુસની જેમ અમિત શાહની તમામ ખોટી વાતમાં હાજી હાજી કરતા રહ્યા ત્યારે આ પોલીસ અધિકારીઓને માઠું લાગતું નથી, પણ જીજ્ઞેશનું માઠું લાગે છે કારણ જીજ્ઞેશ ભાજપમાં નથી, ગુજરાત પોલીસના તમામ પોલીસ કર્મચારીઓ ડરપોક અને નમાલા છે તેવું નથી જેમને પોતાની ખાખી ઉપર માન અને અભિમાન છે તેવા પોલીસ અધિકારીઓ પણ છે, જો કે તે પોલીસ હોવાના અભિમાનની કિંમત પણ ચુકવે છે.

સ્વમાન અને સંપત્તી ક્યારેય સાથે રહી શકતી નથી, 1998માં અમદાવાદના વાડજ વિસ્તારમાં પોલીસને ગાળો આપી રહેલા ભાજપના ધારાસભ્ય અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલર યતિન ઓઝાને આઈપીએસ અધિકારી સતીષ વર્મા, અતુલ કરવાલ અને પી કે ઝાએ પોલીસની તાકાત અને અભિમાન કોને કહેવાય તે બતાડી દીધું હતું, કદાચ યતિન ઓઝાને દરેક શિયાળામાં તેની યાદ આવતી હશે. આવા જ એક પોલીસ ઈન્સપેકટર અનીલ વાળંદનો પણ સમાવેશ થાય છે. જો કે બહાદુરોની આપણને કમી નથી, તેવી જ રીતે સત્તા ઉપર કોણ છે તે જોઈ માઠું લગાડનારની સંખ્યા પણ નાની નથી.