મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગઢડા-વલભીપુરના ખેડૂતોને નર્મદાનું પાણી, પાક વીમો અને પાક નિષ્ફળતાના મુદ્દે  પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુંએ બોટાદ જીલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા  રવિવારે ૨૧મી ઓક્ટોબરે બોટાદ ન્યાયાલય ખાતે મુખ્યમંત્રીનો ઘેરાવો કરીને વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આવતી કાલે સવારે, રવિવારે  મુખ્યમંત્રી વિજય રૂપાણી બોટાદ ખાતે ૩૧.૧૭ કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત ન્યાયાલયના આધુનિક ભવનનું લોકાર્પણ કરવાના છે. જેમાં બોટાદ અને ભાવનગર જીલ્લાના ખેડુતોના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીનો ઘેરાવો કરવામાં આવશે. તારીખ ૧૯મી એ ગઢડાના ધારાસભ્ય  પ્રવીણ મારુંએ  બોટાદ જીલ્લા કલેકટરમેં એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે તેમના મતવિસ્તારના ગઢડા-વલભીપુરના સિંચાઈના પાણીનો પ્રશ્ન છેલ્લા એક માસથી વાંરવાર રજૂઆત કરવા છતાં પાણી નિયમિત આપવામાં આવતું નથી. હાલમાં પાડલિયો નદીમાં સાયફન તૂટી ગયું છે તેમ છતાં ૧૨થી ૧૫ દિવસ થયાં છતાં રીપેરીંગ કરવામાં આવતું નથી. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છેઅને પાણી પહોંચાડવાની નિયત નથી એવું સ્પષ્ટ થાય છે અને અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવાનો આક્ષેપ  પણ પત્રમાં કર્યો છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો જેમાં પાક વીમો અગાઉ ચૂકવેલ નથી, હાલમાં જે સર્વે થઇ રહ્યો છે તેમાં પણ ખોટો સર્વે છે, વરસાદના ખોટા આંકડા અપાઈ રહ્યા છે. જેથી ખેડૂતો નારાજ છે અને તેમના સમર્થનમાં રહીને આગામી રવિવારે ૨૧મી ઓક્ટોબરે બોટાદ ન્યાયાલય ખાતે મુખ્યમંત્રીનો ઘેરાવો કરીને વિરોધ કરવામાં આવશે.

આપત્રના તાત્કાલિક જવાબ સંદર્ભે જીલ્લા મેજીસ્ટ્રેટ, બોટાદ સુજીત કુમારે નર્મદા, જળસંપત્તિ,  પાણી પુરવઠા અને કલ્પસર યોજનાના સચિવને આ પત્રના પ્રશ્ન અને સમસ્યા મુદ્દે પાડલીયો નદીમાં આવેલ સાયફન તાત્કાલિક રીપેરીંગ કરવા તથા પાણી છેવાડાના ગામો સુધી પહોંચાડવા અંગેની નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ બાબતોનું નિરાકરણ કરવા  યોજના સચિવને વિનંતી કરી છે.

આ પત્રના જવાબમાં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા ગઢડાના ધારાસભ્ય અને બોટાદ જીલ્લા કલેકટરને લેખિત પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે જેમાં નિગમના સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ ન. ૩/૧ (બોટાદ)ના  કાર્યપાલક ઈજનેરે જણાવ્યું છે જે સાયફનમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છે જેથી સાયફન પાણીમાં ફસાઈ જતું હોય અને નિષ્ણાતો દ્વારા સાયફન ડિવોટરીંગની કામગીરી ચાલુ છે અને સાયફનની નુકસાની ચકાસણીઓ હેઠળ છે. જે તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી હાથધરીને ૪થી ૫ દિવસમાં કામ પૂરું કરીને પાણી ચાલુ કરી દેવામાં  આવશે.

અગાઉ પણ ધારાસભ્ય પ્રવીણ મારુએ સરકારના સિંચાઈ વિભાગને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કલેકટરે કાર્યવાહી કરવાની સુચના આપતા સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં જ પાણી પહોંચાડી દેવામાં આવ્યું હતું.