મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આ વર્ષે પાણીની તંગી સર્જાવાનાં એંધાણને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા તરફથી લોકોને પાણીનો વ્યય અટકાવવા સૂચના આપવામાં આવે છે, પાણી વેડફનારી વ્યક્તિ સામે નળ જોડાણ કાપવા સહિતના પગલાં ભરે છે તેવા સમયે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણી વહી ગયાની ઘટના પરવટ પાટિયા ચાર રસ્તા ખાતે બની છે.
 પરવટ પાટિયા ચાર રસ્તા નજીકથી પસાર થતી નહેરમાં સિંચાઈ વિભાગે રવિવારે મોડી રાત્રે પાણી છોડ્યું હતું. પણ બન્યું એવું કે આ નહેર કચરાથી ભરપુર હોવાના કારણે પાણી નહેરમાં વહેવાના બદલે નહેરમાંથી ઉભરાઈને રસ્તા પર વહેવા લાગ્યું હતું. લગભગ સતત પાંચ કલાક સુધી આ રીતે પાણી રસ્તા પર વહ્યા જ કર્યું. લાખો લીટર પાણીનો વ્યય થવા પાછળ મનપાનું નિંભર તંત્ર જવાબદાર છે તેટલું જ સિંચાઈ વિભાગનું તંત્ર પણ જવાબદાર છે કારણ કે નહેરમાં પાણી છોડતા પૂર્વે અવલોકન કરવું જોઇએ એટલું જ નહીં પણ પાણી છોડ્યા પછી  તેનું મોનેટરિંગ કરવું જોઈએ કે ખરેખર પાણી નહેરમાં વહે છે કે કેમ આ કામ કરવામાં સિંચાઈ વિભાગનું તંત્ર બેદરકાર હોવાનું કહી શકાય.