મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના પ્રખ્યાત મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરી દ્વારા મિલ્ક ફેડરેશન અમૂલ ડેરીમાં મોકલવવામાં આવેલ લાખો રૂપિયાની કિંમતનું છ થી સાત ટેન્કર દૂધ રિજેક્ટ થતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થતા સુરસાગર ડેરી સુરેન્દ્રનગર દ્વારા પણ દરેક ડેરીના દૂધની આવક ઉપર ચોકસાઈ વધારી દીધી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરી દૂધ ઉત્પાદનમાં સારી એવી નામના ધરાવે છે અને સમગ્ર મોરબી જિલ્લામાંથી વિવિધ મંડળીઓ દ્વારા દૂધ એકત્રિત કરી મિલ્ક ફેડરેશન મારફતે અમૂલ ડેરી આણંદમાં દૈનિક લાખો લીટર દૂધ મોકલે છે જેમાં આજે મોકલવામાં આવેલ દૂધ પૈકી છ થી સાત ટેન્કર દૂધમાં ભેળસેળ હોવાનું બહાર આવતા આ તમામ ટેન્કરને રિજેક્ટ કરી દેવામાં આવતા સમગ્ર મોરબી જિલ્લાના સહકારી આલમ અને દૂધ મંડળીઓમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે મયુર ડેરીમાં આવતું દૂધ બીએમસી એટલે કે બલ્ક મિલ્ક ચિલિંગ સેન્ટરમાં રાખવામાં આવતું હોય છે અને યોગ્ય તાપમાને દુધને સાચવામાં આવતું હોય મોટા પ્રમાણમાં દૂધ ખાટુ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હોવાનું ડેરી ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા છે.

બીજી તરફ મોરબીની મયુર ડેરીનું દૂધ રિજેક્ટ થતા સુરસાગર ડેરી સુરેન્દ્રનગરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સુરસાગર ડેરીના તમામ સહયોગી દૂધ ઉત્પાદક સંઘને મોરબી પંથકનું દૂધ નહીં ભરવા કડક સૂચના આપી અમુક ડેરીઓમાં તપાસ પણ શરૂ કરાવી દીધી હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમે સેમ્પલ ચેક કરીને મોકલ્યા હતા તપાસ બાદ ખ્યાલ આવશે

મોરબી જિલ્લાના ગામડામાંથી આવતું દૂધ સૌપ્રથમ  ડેરીએ આવે છે જ્યાં તેનું ચેકિંગ કર્યા બાદ અમુલ ડેરીએ મોકલવામાં આવે છે. અહી ચેકિંગ દરમીયાન સેમ્પલ પણ બરાબર આવ્યા હતા જોકે ક્યાં કારણસર સેમ્પલ ફેલ થયા તે તપાસ બાદ સામે આવી જશે તેમ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદન સંઘના સંચાલ્ક પ્રાણજીવન કુંડારિયાએ જણાવ્યું હતું.