મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગત શનિવારે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભારીબેન દવેએ જાહેરાત કરી હતી કે આગામી નવરાત્રીએ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર દરમિયાન રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં વેકેશન રહેશે. એટલું નહીં ગુંચવણ તો ત્યા ઉભી થઇ છે કે નવરાત્રી 10 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે અને રજાઓ 15 ઓક્ટોબરથી શરુ થવાની છે. એટલું જ નહીં શૈક્ષણિક કેલેન્ડર અનુસાર 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન ધોરણ 9થી 12ની પ્રથમ કસોટી જાહેરા થઇ ચુકી છે તો પછી વેકેશનમાં પરિક્ષા કેવી રીતે લેવાશે? આ મુદ્દે મેરાન્યૂઝ દ્વારા સોશિયલ મીડિયામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સવાલ કરાયો હતો કે નવરાત્રીમાં શાળા અને કોલેજોમાં સરકારે વેકેશન જાહેર કર્યું તે યોગ્ય છે? જેમાં સર્વેમાં 1900 લોકોએ વોટિંગ કર્યું હતું જેમાં 56 ટકા લોકોએ વેકેશનના વિરોધમાં અને 44 ટકાએ વેકેશનના સમર્થનમાં મત આપ્યો હતો.

આમ આ સર્વેમાં બહુમતિ લોકોએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. આ સાથે જ ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે ફી વધારાના મુદ્દે નિર્ણય લેવાને બદલે સરકાર વેકેશન આપી રહી છે. નવ દિવસના બદલે માત્ર એક દિવસ રજા આપે તો પણ ચાલે. નવરાત્રીમાં વેકેશનની કોઈ જરૂરિયાત ના કહેવાય કારણકે રાત્રીના ગરબા રમવાના હોય છે વળી આ નિર્ણય માત્ર આ વર્ષ માટે જ હોઈ સકે, કાયમી માટે લાગુ લગભગ નહિ થાય, લોકસભા ચુંટણીનું વર્ષ છે એટલે આવા ખોટા પ્રોત્સાહન યોગ્ય ના કહેવાય. તો વળી કેટલાકે કહ્યું કે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમાય છે તો પછી વેકેશન શા માટે. બીજી તરફ નવરાત્રીમાં વેકેશન હોવું જોઈએ તેવો પણ મત વ્યક્ત કરાયો છે.

મેરાન્યૂઝ દ્વારા કરાયેલ સર્વે તથા તેમા કેટલાક વાચકોએ કરેલ કોમેન્ટ્સ પણ અહીં પ્રસ્તુત છે.