પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): 2016ની વાત છે, હું વડોદરાથી અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદ આવ્યો ત્યારે મને હતું કે મારા પત્રકારત્વના 30 વર્ષના અનુભવને કારણે મને નોકરી તો મળી જશે પણ મારા મિત્રોના મત પ્રમાણે મેં પત્રકારોના પગારના મુદ્દે લડત કરી મારા પગ ઉપર કુહાડો માર્યો છે. જે વાત સાથે મારે નીસ્બત ન્હોતી તેવી પારકી ઉપાધી મેં ગળે વળગાડી હતી. જો કે તેમની અડધી વાત સાથે સંમત્ત હતો, કદાચ એટલે જ અમદાવાદ આવ્યા પછી જેમને હું મારા મિત્રો કહી શકુ તેવા તંત્રીઓ સહિત જેઓ ખરેખર માલિક તંત્રી છે તેવા તમામ પાસે નોકરી માટે જઈ આવ્યો હતો. મેં જ્યારે પત્રકારના પગાર માટે લડત કરી ત્યારે મને તેના માઠા પરિણામો અંગે આટલી ગંભીરતા ન્હોતી. આજે જ્યારે પણ તે દિવસોનો વિચાર કરૂ છું ત્યારે બહુ ખરાબ પણ લાગે છે. પચાસી વટાવી ગયા પછી અચાનક તમને ભાન થાય કે તમને કોઈ કામ આપવા જ તૈયાર નથી ત્યારે દુખ થવુ સ્વભાવીક હતું. તંત્રીઓને નેતાઓ, પોલીસ અને ગુંડાઓ સાથે લડતો પત્રકાર કાયમ ગમતો હોય છે, પણ તંત્રી સામે લડી-ઝઘડી પડે તેવા પત્રકારને બહુ ઓછા તંત્રી સહન કરી શકતા હોય છે.

નોકરી વગર પાંચ મહિના પુરા થઈ ગયા. મારા મિત્રો મને કહેતા કે કંઇ જરૂર હોય તો કહેજે, પણ જરૂર છે તેવુ કહેવાની હિમંત મારી થતી ન્હોતી. એક પછી એક ફિક્સ ડિપોઝિટ તોડી રહ્યો હતો. મને પોતાને જ ખબર ન્હોતી કે હવે આ લડાઈ કેટલી લાંબી ચાલવાની છે. ચોમાસાનો સમય હતો. એક દિવસ મારા સાથી પત્રકાર મિત્ર અનિલ પુષ્પાગંદનનો ગાંધીનગરથી ફોન આવ્યો. તેણે પોતાની ટેવ પ્રમાણે અધુરી જ વાત કરી અને કહ્યુ મારે તમને મળવુ છે, આપણે મળીશુ. મેં હા પાડી અને તેણે મને અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એક ચ્હાની કિટલી ઉપર બોલાવ્યો, જેને અમદાવાદના લોકો પીસી પોઈન્ટ તરીકે ઓળખે છે. પીસી પોઈન્ટ કેમ કહે છે તેની તો મને ખબર નથી, પણ પીસી પોઈન્ટ એટલે અમદાવાદના કલાકારો, સ્ટ્રગલર અને મારા જેવા બેકારોનો અડ્ડોછે. હું અનીલને ત્યાં મળવો ગયો, ઝરમર વરસાદ ચાલુ હતો, ચ્હા પીતા પીતા તેણે મને પુછ્યુ કે તમારે નોકરી કરવી છે.

નોકરી માંગીને હું એટલો થાકી ગયો હતો, હવે નોકરી જોઈએ છે તેવુ કહેવાની હિમંત ન્હોતી કારણ મને જ્યારે સામેવાળો ના પાડે ત્યારે બહુ માઠુ લાગતુ હતું એટલે એક ક્ષણનો વિચાર કરી અનિલની દરખાસ્ત સાંભળતા પહેલા જ કહ્યુ, જો અનીલ કોઈ એસાઈમેન્ટ ઉપર કામ હોય તો કહે, હવે આપણે નોકરી કરવી નથી. તેણે મને કહ્યુ મારા એક મિત્ર વેબપોર્ટલ શરૂ કરવા માગે છે. તમારે નોકરી ભલે કરવી ના હોય પણ તમારે જ બધુ સંભાળવુ પડશે. પછી હું અનિલની સાથે તેના મિત્રને અનેક વખત મળ્યો. પોર્ટલ કેવુ હોવુ જોઈએ, સમાચાર કેવા હોવા જોઈએ વગેરેની અનેક દિવસોની ચર્ચા અને મથામણ ચાલતી રહી હતી. મારા માટે પોર્ટલ એકદમ નવો વિષય હતો કારણ આખી જીંદગી અખબારમાં જ પસાર થઈ ગઈ હતી અને પચાસી પછી મારે પોતાને બદલવાનું અઘરૂ કામ પણ કરવાનું હતું.

મને જયાં પણ મુંઝવણ પડતી ત્યારે હું મેહુલ ચૌહાણને ફોન કરતો હતો. મેહુલ સાથે મારો પરિચય વડોદરામાં થયો હતો, ત્યાં તે દિવ્ય ભાસ્કરના પોર્ટલમાં હતો, તે મને સલાહ પણ આપતો હતો. આખરે પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય થયો  અને એક નામ નક્કી થયુ meranews.com. આ પ્રકિયા પુરી થતાં સૌથી પહેલા અમારો સાથી બન્યા મહેલુ ચૌહાણ. જે આજે meranews.com ના રેસીડેન્ટ એડિટરની જવાબદારી સંભાળે છે. પછી તેમા નામ ઉમેરાતા ગયા ઉર્વિશ પટેલ, દર્શન પટેલ, સોનુ સોલંકી, નિશા પટેલ, નિક્સન ભટ્ટ, કુલીન પારેખ, રોહન રાંકજા, સુજીત નાંબિયાર, હિતેશ ચાવડા, જયેશ મેવાડા વગેરે. અમારી આ સફર દરમિયાન કેટલાક અન્ય સાથીઓ પણ જોડાયા જેઓ ઉત્તમ તક મળતા હાલ અમારી સાથે નથી જેમ કે દર્શન દેસાઇ, અમિત કાઉપર, કુલદીપ તિવારી, મેહુલ જાની, ચિંતન શ્રીપાલી, જયેશ શાહ, સુનીલ જોષી, રાજન ત્રિવેદી, મયુરીકાબેન,મધુબેન, અંકિત પ્રજાપતિ, પ્રાચી જાની, પુનિત આચાર્ય, હિરલ પટેલ, વિજયસિંહ સોલંકી, કૌસ્તુભ આઠવલે, જીવન,  નીલ રોડ્રિક્સ, પ્રિયંકા રાજપૂત, મેર્લિન સહિત નામી-અનામી લોકો જેમણે અમને માહિતીઓ આપી. મિત્રોની યાદી લાંબી થતી ગઇ, આ મિત્રો માત્ર શરિરથી અમારાથી દુર થયા છે.

તા. 9 નવેમ્બર 2016ના રોજ ગાંધીનગરના અખબાર ભવનની એક નાનકડી ઓફિસમાં અમે meranews.comની શરૂઆત કરી. અમારી મર્યાદાઓ વચ્ચે ટાંચા સાધનોમાં અમે અને થોડીક પત્રકારત્વની સમજ સાથે અમારો પહેલો દિવસ પુરો થયો હતો, સાંજ પડી ત્યારે અમારી વેબસાઈટ ઉપર કેટલા વાંચકો આવ્યા તેની ઉપર નજર કરી તો બસો (200) વાંચકો આવ્યા હતા. આ આંકડો જોઈ મારા સહિત મારા સાથી અનિલ અને મેહુલ સહિત આખી ટીમ ખુબ ખુશ હતી, પણ અમારે આ આંકડો રોજ વધારવાનો હતો. અમારી આખી ટીમ કામે લાગી ગઈ, મહેનત કરવુ અમારૂ કામ હતું. આજે 9 નવેમ્બર 2018ના રોજ બે વર્ષ પુરા થયા. મીડિયાના જાયન્ટ ગ્રુપ્સ સામે અમે ખુબ નાના છીએ પણ અમારી મહેનત અને વાંચકોનો અઢળક પ્રેમ મળ્યો. આજે મને કહેતા આનંદ અને મારી ટીમ માટે અભિમાન થાય છે કે અમારા રોજના વાંચકોની સંખ્યાનો આંકડો બે લાખ રોજ (2,00,000) ઉપર પહોંચ્યો તેનો અર્થ મહિને સાંઈઠ લાખ (60,00000) વાંચકો અમને વાંચે છે. અમારી હરિફાઈ કોઈ અખબાર, ટીવી ચેનલ અને વેબપોર્ટલ સાથે નથી. અમારી હરિફાઈ અમારી સાથે જ છે. અમારે જ રોજ અમારો રેકોર્ડ તોડવાનો છે તેવો અમારો પ્રણ છે.

બે વર્ષ મારા સહિત મારી ટીમ માટે રોમાંચક રહ્યા, રોજ નવા સમાચારોની સાથે બીજા કરતા આપણે કેવી રીતે જુદા પડી શકીએ અને કઈ રીતે વાંચકો સુધી બીટવીન્ધી લાઈન્સ સ્ટોરી લઈ જઈ શકીએ તેવો અમારો પ્રયાસ રહ્યો છે. અમે ભુલો પણ કરી છે અને જાહેરમાં ભુલોનો સ્વીકાર પણ કર્યો છે અને પ્રયત્ન કર્યો છે કે ભુલોનું પુનરાવર્તન થાય નહીં. પત્રકારત્વ એટલે માત્ર કૌભાંડની સ્ટોરી નથી વિશ્વમાં ખરાબની સાથે સારી બાબતો પણ થાય છે, પણ તેની ખાસ નોંધ લેવાતી નથી પણ અમારો સતત પ્રયાસ રહ્યો છે સારી ઘટનાઓ પણ વાંચક સુધી પહોંચે કારણ સારી ઘટનાઓ જ સારા સમાજની રચના કરે છે. મેં જે લખ્યુ વાંચકોએ તેને આવકાર આપ્યો સાથે વાંચકોના એક વર્ગે અમારી ટીકા પણ કરી. અમે આવકાર આપનાર અને ટીકા કરનાર બંને વાંચકોનો આભાર માનીએ છીએ કારણ આવકારે અમને પ્રોત્સાહન આપ્યુ અને ટીકાએ અમને આત્મમંથન કરવાની ફરજ પાડી.

બે વર્ષ દરમિયાન અમારી ઉપર અનેક વખત એવો આરોપ પણ મુકાયો કે અમે ભાજપ વિરોધી છીએ અને કોંગ્રેસ તરફી છીએ પણ ટીકા કરનાર મિત્રને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધમાં થયેલી સ્ટોરી યાદ નથી. સંભવ છે કે ભાજપના નેતાઓ સામેની સ્ટોરીની સંખ્યા વિશેષ હતી તે પણ એક કારણ હોઈ શકે, પણ હું જવાબદારી અને પ્રમાણિકતાથી કહુ છુ કે અમે ભાજપ વિરોધી નથી અને કોંગ્રેસ તરફથી નથી. હું જેમની પાસે પત્રકારત્વના પાઠ શીખ્યો તેમણે મને શીખવ્યુ છે કે પત્રકાર ક્યારેય શાસનની સાથે હોઈ શકે નહીં. શાસન સારૂ કામ કરે ત્યારે તેની પીઠ થાબડવી અને અમે ભાજપ સરકારના સારા નિર્ણયની પ્રસંશા પણ કરી છે, પણ શાસન જ્યારે ભુલ કરે ત્યારે ડર અને સંકોચ વગર ડંકાની ચોટ ઉપરથી તેનો વિરોધ કરવો. અમે ભાજપની વિરૂધ્ધ જે લખીએ છીએ તે અમારૂ કામ છે કારણ ભાજપ શાસનમાં છે. જે શાસનમાં હોય તેની જ ટીકા થાય

કોંગ્રસ હાલમાં શાસનમાં નથી પણ ખાતરી આપીએ છીએ કોંગ્રેસ શાસનમાં આવશે તો આટલી ઉગ્રતા અને કડક ભાષામાં તેમની ભુલોની પણ ટીકા કરીશુ. અમે કોઈનું વાજીંત્ર અને કોઈની કઠપુતલી નથી. અમારા ટીકાકારોને યાદ અપાવુ કે જયારે પણ પત્રકારત્વ શાસનનાં ખોળામાં બેસી જાય છે ત્યારે લોકશાહી ખતરામાં આવી જાય છે. હાલમાં ભાજપ શાસનમાં છે. જો પત્રકારત્વને શાસન સાથે બેસી જવાની ટેવ પડી તો આવતીકાલે કોંગ્રેસ શાસનમાં હશે ત્યારે પત્રકારો પણ તેવુ જ કરશે. ત્યારે આજે ભાજપની વ્હા વ્હા કરતા માધ્યમો સારા લાગે છે પણ તેઓ કોગ્રેસ સાથે હાથ મીલવાશે ત્યારે તમને માઠુ લાગશે. પત્રકારે નિષ્પક્ષ રહેવુ તેવી દરેક અપેક્ષા રાખતા હોય છે. તેવો પ્રયાસ જરૂર અમે કરીએ છીએ પણ 100 ટકા બજારમાં હવે કંઈ મળતુ નથી. ક્યારેક પોતાના વ્યક્તિગત ગમા-અણગમાની મીલાવટ થઈ જતી હોય છે, આવુ અમારાથી પણ થયુ હશે તેના માટે દિલગીર છું.

meranews.com ના માલિકોનો અમે આખી ટીમ આભાર માનીએ છીએ. તેમને પત્રકારત્વ સાથે સીધો કોઈ સંબંધ નથી છતાં પત્રકારત્વની સરળ અને સાદી સમજ છે. તેમણે પોતાને અને પોતાના વ્યવસાયને પોર્ટલથી દુર રાખવાનો પ્રયાસ કર્યો છે. જો કે આમ છતાં શાસનમાં તેમની ઓળખ છાની રહી નહીં અને તેની તેમણે આર્થિક અને માનસિક કિમંત ચુકવી છે. અત્રે ઉલ્લેખ પણ થઈ શકે નહીં તેવી પીડા ભોગવ્યા છતાં તેમણે મારા સહિત કોઈ પત્રકારને કોઈ સમાચાર લખતા રોક્યો અને ટોકયો નથી. કદાચ તે જ meranews.com ની ઓળખ બની છે. પત્રકારત્વના ત્રીસ વર્ષમાં મારા આ બે વર્ષ ખુબ ઉત્તમ રહ્યા તેવુ કહેતા મને સંકોચ થતો નથી. મારી ઈચ્છા પ્રમાણે મને સારૂ લાગે તે લખવાની મોકળાશ મળી છે જેમના માટે હું તેમનો આભારી છું. બહુ ઓછા પત્રકારોને આવી તક મળતી હોય છે, મને મળેલી તક હું મારા અને અમારા વાંચકો માટે ખર્ચી કાઢવા માગુ છું.

બે વર્ષ દરમિયાન અનેક મિત્રો મને પુછે છે કે તમે meranews.com ના તમે માલિક છો? હું તેમને ના પાડુ છું કારણ કે હું માલિક નથી અને જે માલિક છે તેઓ મને કહે છે આ વેબસાઇટ તમારૂ સંતાન છે. એટલે જ્યારે વાંચકો અને લોકો મને પુછે છે કે કેવુ ચાલે છે તમારૂ પોર્ટલ? ત્યારે હું કહું છું કે મેરાન્યૂઝ તો મારૂ સંતાન છે, દરેક પિતાને પોતાનું સંતાન તો રૂપાળુ લાગે પણ મારૂ સંતાન તમને પણ ગમે છે તેનો મને આનંદ છે.

આભાર અમારી સફરના સાક્ષી વાંચકોનો...