મેરાન્યૂઝ નેટવર્ક, મહેસાણા: પ્રોહીબેશનના કેસમાં આરોપીને હાજર કરવા અને માર નહીં મારવા મામલે 25 હજાર રૂપિયાની લાંચ લેવા મામલે કડીના પીઆઇ પી.એસ. ગઢવી અને એક જીઆરડી જવાન એસીબીના છટકામાં આજે ઝડપાયા હતા.

એસીબીમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના ભાઇને પ્રોહીબિશનનાં ગુનામાં હાજર કરવા અને માર નહીં મારવાના માટે કડીના પીઆઇ પી.એસ. ગઢવીએ 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જેથી તેઓ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેથી લાંચની રકમ સ્વિકારવા આવેલ જીઆરડી જવાન પરાગ પટેલ અને કડી પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર  પી.એસ. ગઢવી કડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ બહાર જાહેર રોડ પર ઝડપાઇ ગયા હતા અને લાંચની 25 હજાર રૂપિયાની રકમ પણ તેમની પાસેથી રિકવર કરવામાં આવી છે.    

આ સમગ્ર છટકું ટ્રેપિંગ અધિકારી વી.જે. જાડેજા (એ.સી.બી. પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય તથા ટીમ) એ કે.બી. ચુડાસમા (મદનીશ નિયામક, એસીબી અમદાવાદ એકમ) ના સુપરવિઝનમાં પાર પાડવામાં આવ્યું હતું.