મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સ્માર્ટ મોબાઈલ ફોન અને સોશ્યલ મીડિયાના જમાનામાં અબાલ, વૃદ્ધ સહુ કોઈ તેના બંધાણી બન્યા છે. યુવાનો અને યુવતીઓમાં સ્માર્ટ મોબાઈલ ફોનનું વિશેષ વળગણ જોવા મળે છે અને સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. સ્માર્ટ ફોનની ઘેલછામાં એક કોલેજીયન યુવાન મેઘરજ નગરની મોબાઈલની દુકાનમાં મોબાઈલ ખરીદવાના બહાને એન્ડ્રોઇડ મોબાઈલ ફોનના દુકાનદારની સામે લૂંટ ચલાવી નાસી છૂટતા દુકાનદાર સહીત લોકોએ પીછો કરી યુવકને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો હતો.

અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં બજારમાં આવેલી તમન્ના મોબાઈલ શોપમાં બપોરે ૩:૫૦ વાગ્યાના સુમારે એક બુકાનીધારી કોલેજીયન જેવા દેખાતા યુવાને મોબાઈલ શોપના માલિકને મોબાઈલ ખરીદવાની વાત કરી મોબાઈલનું બિલ બનાવી થેલીમાં પેક કરી યુવકની સામે મુકતા યુવકે ખિસ્સામાંથી રૂપિયા કાઢવાનો ઢોંગ કરી બે ગ્રાહકનો હાજરીમાં હિંમતભેર મોબાઈલ લઈ નાસી છૂટ્યો હતો. દુકાનના માલિક અને ગ્રાહકોએ યુવકને પકડવા બુમાબુમ કરી પીછો કરતા દુકાન માલિક અને લોકોએ મોબાઈલ ચોરને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પોલીસને સોંપવાની તજવીજ હાથધરી હતી. મોબાઈલ શોપમાં રહેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતા મોબાઈલ લૂંટનો વીડિયો વાયરલ થયો હતો. મોબાઈલની લૂંટ કરનાર યુવકની હિમ્મત જોઈ લોકો પણ વિચારમાં પડી ગયા હતા.